કેનેડાના બ્રેમ્પટનમાં ઉજવાશે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, એવોર્ડઝથી બનશે વિશેષ…

અમદાવાદ-ઓન્ટારિયોઃ.1 મે ના રોજ આવતા ગુજરાત સ્થાપના દિન પ્રસંગે કેનેડા સ્થિત નૉન-પ્રોફીટ સંસ્થા એફઓજી ઈન્ડિયાએ ઓન્ટારીયોમાં બ્રેમ્પટન ખાતે આવેલી ચીંગુકૌશી સેકન્ડરી સ્કૂલમાં ચોથા વાર્ષિક “કલર્સ ઓફ ગુજરાત” કાર્યક્રમનું તા.28 એપ્રિલ, 2019ને રવિવારના રોજ આયોજન કર્યું છે. એફઓજી ઈન્ડીયાના પ્રેસિડેન્ટ અખિલ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે  “આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો અને ઉગતા કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીત અને લોકનૃત્યના કાર્યક્રમો રજૂ કરશે. આ ઉપરાંત આ સમારંભમાં દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરીને ગૌરવ અપાવનારા કેનેડાના પ્રસિધ્ધ ગુજરાતીઓનું એફઓજી બહુમાન કરશે.”

“આ સમારંભમાં કેનેડા સરકારની વિવિધ જાહેર સંસ્થાઓમાં વિવિધ સ્તરે પદ શોભાવતા મહાનુભવો હાજરી આપશે. સમારંભને અંતે હાજરી આપનારા તમામ મહાનુભવો માટે પરંપરાગત સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરાયું છે, જે દરેક વ્યક્તિને ગુજરાતની અનોખી પરંપરાગત વાનગીઓના સ્વાદનો અનુભવ કરાવશે.”

ગુજરાત દિન પ્રસંગે પહેલી મે ના રોજ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે.

શું છે ફ્રેન્ડઝ ઓફ ગુજરાત…
ગુજરાતીઓ તેમના ઉદ્યોગસાહસિક સ્વભાવ, વેચાણ અને માર્કેટીંગના અદ્દભૂત કૌશલ્ય માટે જાણીતા છે. ગુજરાતીઓ તેમના ભોજન પ્રેમ તથા સંબંધોમાં વિશ્વસનિયતા માટે જાણીતા છે અને હંમેશા મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘણાં સમાજ, ક્લબો અને સામાજિક સંસ્થાઓની સ્થાપના કરીને સંગઠીત રહ્યા છે અને એક બીજા સાથે પોતાના અનુભવોનું આદાન-પ્રદાન અને તહેવારોની ઉજવણી કરતા રહ્યા છે.

એક સમુદાય તરીકે સંગઠીત હોવાની ભાવના સાથે ગુજરાતીઓએ 2014માં ફ્રેન્ડઝ ઓફ ગુજરાતની સ્થાપના કરી હતી. આમ છતાં રાજકિય, આર્થિક, સામાજીક, વૈધાનિક અને ન્યાયિક વર્તુળોમાં તેમનો અવાજ વર્તાતો ન હતો.
આ વિચારને કારણે એક ગ્રુપ તરીકે  એફઓજી કેનેડાની સ્થાપના ઉત્સાહી અને કશુંક નવતર કરવાની ભાવના ધરાવતા બિનનિવાસી ગુજરાતીઓએ કરી છે. એફઓજી કેનેડાનું વિઝન ધબકતા ગુજરાતી  સમુદાયને સંગઠીત રાખીને દરેક કદમે એકબીજાની સાથે રહીને વિકાસ હાંસલ કરવાનું છે.