કચ્છના હરામીનાળા પાસેથી 5 પાકિસ્તાની બોટ મળી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

અમદાવાદઃ ગુજરાતના સમુદ્રી માર્ગથી આતંકી હુમલાની દહેશત વચ્ચે કચ્છમાં પાંચ બીનવારસી પાકિસ્તાની બોટ મળી આવી છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ભારત પાકિસ્તાન બોર્ડર પર હરામીનાળા પાસેથી આ બોટ મળી આવી છે. ત્યારબાદ બીએસએફ દ્વારા કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોટમાં માછલી મારવાના સાધન મળી આવ્યા છે. જો કે બોટમાં કોઈ આપત્તિજનક વસ્તુઓ મળી નથી.

હરામીનાળામાંથી બીએસએફે પેટ્રોલિંગ દરમ્યાન પાંચ બોટ બિનવારસુ હાલતમાં ઝડપી પાડી હતી. ભારતીય દરિયાઈ વિસ્તારમાં ઘુસણખોર ઘુસી આવ્યાનું બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને ધ્યાને આવતા તરત સ્પીડ બોટથી હરામીનાળા વીસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં ફોર્સ પહોંચે તે પૂર્વે પાક. ઘુસણખોરો પાંચ બોટને મુકીને નાસી છુટયા હતા. બોટમાંથી આઈસબોક્ષ અને જમવાનું બનાવવાની સામગ્રી મળી આવી હતી.

બીએસએફની પ્રાથમિક તપાસમાં માછીમારી કરવા આવ્યા હોવાનું સપાટીએ આવ્યું હતું. તપાસ પૂર્ણ કર્યા બાદ બોટ કસ્ટમને આપવામાં આવશે અને કસ્ટમ તે બોટને સિઝ કરી અને સિઝ મેમો આપી દયાપર પોલીસને જાણ કરશે.

જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર થયા બાદ પાકિસ્તાન રીતસરનું હેબતાઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર પાકિસ્તાન સમુદ્રી માર્ગથી ભારતમાં આતંકી હુમલો કરે તેવી શક્યતાઓ છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાની સીમા પર અત્યારે ભારતીય જવાનો એલર્ટ થઈ ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]