આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાંચની ટીમ પર 9 રાઉન્ડ ફાયરિંગ

0
1544

અમદાવાદઃ શહેરના કઠવાડા વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પર પાંચ અજાણ્યા શખસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. લૂંટના આરોપીઓને પકડવા જતાં આરોપીઓએ પોલીસ પર જ નવ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. પોલીસે વળતો જવાબ આપતા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે પાંચ પૈકી એક આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે બાકીના શખ્સો ફરાર થઈ ગયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે દિનેશ ગૌસ્વામી ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમે કઠવાડામાં વોચ ગોઠવી હતી. લૂંટની ગેંગની ગાડીનો પીછો કરી તેમને પકડવા જતાં આરોપીઓએ ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ કર્યું હતું. વળતા જવાબમાં ક્રાઇમ બ્રાંચની ટીમે પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
 
 ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને ફાયરિંગ કરનાર ગેંગ રાજસ્થાનની હોવાની જાણકારી મળી હતી. પોલીસને આરોપીઓની ગાડીનો નંબર મળી ગયો છે. ઝડપાયેલા આરોપીનું નામ ગૌસ્વામી પ્રકાશ છે. પોલીસ ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધી, અન્ય ચાર જેટલા ફરાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.