ભરઊનાળાની ગરમીને ઉપર રાજ્યમાં અગ્નિનું તાંડવ, દોડધામનો માહોલ

અમદાવાદ-એકતરફ 44 ડીગ્રી જેટલી કાળઝાળ ગરમી છે ત્યાં રાજ્યમાં જુદાજુદા શહેરોમાં નાનીમોટી આગના સમાચારોએ આજે રાજ્યભરમાં ફાયર બ્રિગેડને દોડતી રાખી હતી. રાજ્યમાં 4 શહેરમાં  આગ લાગવાના બનાવ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ. સૂરત, વાપી, અને ભાવનગર શહેરમાં આગને લઇને દોડધામ જોવા મળી હતી.સૂરતના યોગીચોકમાં આવેલા અભિષેક આર્કેડમાં આગ લાગી હતી. કાપડની ત્રણ માળની આ દુકાનમાં ભીષણ આગના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે અગાશી પર વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. સદભાગ્યે આગ વિકરાળ હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અન્ય 3 દુકાનોને આગે ઝપેટમાં લઈ લીધી હતી. સમયસર ફાયર બ્રિગેડને જાણ કરાતાં મોટી દુર્ઘટના ટળી હતી.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાથી દોડધામ મચી હતી. ચામુંડા બ્રિજ GSC હોસ્પિટલ પાસેની રુની ફેક્ટરીમાં આગ લાગ્યાંની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં અને આગને કાબૂમાં લીધી હતી.

ઔદ્યોગિકનગરી વાપીના જીઆઇડીસીમાં આગના બનાવ સતત બની રહ્યાં છે. આજે એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સેકંડ ફેઝમાં આવેલી આનંદ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. સોલવન્ટના બેરલમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ત્રણ ફાયર ફાઈટરોએર આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં 2 કામદારોને ઈજા થઇ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

ભાવનગરમાં આજે વહેલી સવારે પાનની દુકાનમાં આગ લાગી હતી. શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી વાહેગુરુ નામની પાનની દુકાનમાં આગ લાગી હતી. જો કે આ આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]