ઈનોવેટિવ આઈડિયા સાકાર કરવા જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઈડિયાને સાકાર કરવા પ્રોટોટાઈપ બનાવવા જીટીયુ તરફથી 12 વિદ્યાર્થીઓને રૂપિયા 5.63 લાખ સુધીની સહાયની ફાળવણી કરવાનું નક્કી થયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલિસી અંતર્ગત જીટીયુને ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી પેટન્ટ અરજી દાખલ કરવા માટે રૂપિયા25 હજાર સુધીની સહાય અને પ્રોટોટાઈપ તૈયાર કરવા સવા લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુના પ્રાદેશિક કેન્દ્રો સુરત, રાજકોટ અને વડોદરામાંથી આ હેતુસર વિદ્યાર્થીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. એમાંથી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેઓને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. તેઓ પાસે નોવેલ્ટી સર્ચ રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત માર્કેટ સર્ચ રિપોર્ટ પણ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તેમાંથી 12 વિદ્યાર્થીઓને રૂપિયા5.63 લાખ સુધીની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સહાય વિવિધ તબક્કામાં આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓને પ્રોટોટાઈપ બનાવવા જરૂરી સાધનસામગ્રી કે ટેસ્ટિંગ માટે આવશ્યક ભંડોળ તરીકે અઢી લાખ રૂપિયા સુધીની મદદ આપવામાં આવશે.

આ પ્રક્રિયા દર મહિને હાથ ધરવામાં આવે છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં તેમાં ૨૦૦ વિદ્યાર્થીઓને આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. સર્વિસ બેઝ પ્રોજેક્ટોને પણ સહાયમાં આવરી લેવામાં આવ્યા છે. પસંદગી પામેલા પ્રોજેક્ટોમાં  સત્વ, એડવાન્સ્ડ સ્મોક ફ્રી ટાવર, , સામ્ર્ટ સોલ્યુશન્સ, ઈકોનોમિકલ ગ્રીન ક્લિનીંગ સોલ્યુશન, પ્લાસ્ટીંગ મશીન, આસિસ્ટન્ટ ઑફ વિક્ટીમ એન્જલ્સ, એચએચઓ ફ્યુઅલ ટેકનોલોજી, વેરીયેબલ મલ્ટી શાફ્ટ મોટર, બુલેટપ્રુફ જેકેટ, એન્વીઝન સ્માર્ટ મીરર વગેરે પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.