3જો ફિલ્મ ફેસ્ટિવલ અમદાવાદમાં, નૈતિક મૂલ્યો પર બનેલી ફિલ્મોને ઈનામ આપશે RSS

નવી દિલ્હીઃ આરએસએસ સાથે જોડાયેલા ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. 21 થી 23 ફેબ્રુઆરી વચ્ચે થનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં જાણીતા નિર્માતા નિર્દેશક સુભાષ ઘાઈ સહિત ઘણા ફિલ્મી કલાકારો ભાગ લેશે.

આ ફેસ્ટિવલમાં દેશ ભક્તિ, રાષ્ટ્રીય સુરક્ષા, નૈતિક અને પારિવારિક મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિ પર બનેલી ફિલ્મોનું પ્રદર્શન થશે. આ ફિલ્મ ફેસ્ટિવલની રુપરેખા નક્કી કરવામાં સુભાષ ઘાઈની મહત્વની ભૂમિકા છે. બોલીવુડમાં કાલીચરણ, કર્મા, કર્જ, સોદાગર, હીરો અને ખલનાયક જેવી ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ સુભાષ ઘાઈ પોતાના મુંબઈના ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં યુવાનોને ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી બનાવતા શિખવાડે છે.

અત્યારસુધી તેઓ બે હજારથી વધારે યુવાનોને ફિલ્મ નિર્માણની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. હવે સંઘની આ સંસ્થા સુભાષ ઘાઈના અનુભવો દ્વારા કલા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં પોતાની વૈચારિકી મજબૂત બનાવવા માંગે છે. આ મિશનમાં મધુર ભંડારકર સહિત અન્ય ઘણી ફિલ્મી હસ્તીઓનો સાથ સંઘને મળ્યો છે.

ફિલ્મી ક્ષેત્રમાં સંઘ પોતાની વિચારધારાને વધારવા માટે ભારતીય ચિત્ર સાધના નામક સંસ્થા દ્વારા પ્રયત્નોમાં લાગેલું છે. આરએસએસના આ સહયોગી સંગઠનનું માનવું છે કે ફિલ્મોમાં ભારતીયતા લુપ્ત થતી જઈ રહી છે. અશ્લીલ ફિલ્મો બની રહી છે, જેને લોકો પરિવાર સાથે બેસીને ન જોઈ શકે.

આવામાં આરએસએસ દ્વારા ભારતીય ચિત્ર સાધના દ્વારા 2017 થી ફિલ્મ ફેસ્ટિવલ્સ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આના દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મૂલ્યો પર બનેલી ફિલ્મોને પ્રમોટ કરવામાં આવી રહી છે. પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ 2017 ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં અને બીજો ફિલ્મ ફેસ્ટિવલ 2018માં ઈન્દોરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકર, અભિનેત્રી હેમામાલિની, અભિનેતા અર્જુન રામપાલ સહિતના કલાકારોએ ભાગ લીધો હતો.

ભારતીય ચિત્ર સાધનાના સચિવ રાકેશ મિત્તલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ફરીથી પારિવારીક, સામાજિક અને રાષ્ટ્રીયતાની ભાવનાથી તરબોળ થયેલી ફિલ્મોનો દોર પાછો આવે. આના માટે ફિલ્મ નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાં પણ ખાસ કરીને યુવાનોને પ્રેરિત કરવા માટે ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવી રહ્યા છે.

ભારતીય ચીત્ર સાધના દ્વારા અત્યારસુધી જે ત્રણ ફિસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યા છે, તેમાં ચાર શ્રેણીની ફિલ્મોનું પ્રદર્શન થયું. આમાં લઘુ ફિલ્મ (30 મીનિટ), ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ (45 મીનિટ), એનિમેશન ફિલ્મ (5 મીનિટ), કેમ્પસ ફિલ્મ (20 મીનિટ) જેવી ચાર શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. આ જ વર્ગોમાં ફેબ્રુઆરી 2020માં થવા જઈ રહેલા ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મો આમંત્રિક કરવામાં આવી છે. મીડિયા સંસ્થાનો, વિશ્વવિદ્યાલયની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ મોબાઈલથી બનાવેલી ફિલ્મો પણ મોકલી શકે છે. ઉદ્દેશ્ય છે કે ઓછા ખર્ચમાં ફિલ્મ બનાવનારા યુવાનોને પણ ભારતીય મૂલ્યો સાથે જોડાયેલી નાની ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

ભારતીય ચિત્ર સાધનાએ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે કેટલીક શરતો પણ રાખી છે. 1 જાન્યુઆરી 2018 થી 30 નવેમ્બર 2019 વચ્ચે ફિલ્મ બનેલી હોવી જોઈએ. આનું શૂટિંગ ભારતમાં થયેલું હોવું જરુરી છે. તમામ વર્ગોની સર્વશ્રેષ્ઠ ફિલ્મોને એક-એક લાખ અને સર્વશ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીઓને 51-51 હજાર રુપિયાનો પુરસ્કાર મળશે. આ સીવાય પુરસ્કારની અન્ય કેટેગરીઝ પણ નક્કી છે.

ભારતીય ચિત્ર સાધનાએ ફિલ્મ ફેસ્ટિવલ માટે કુલ 11 થીમ નક્કી કરી છે. આ જ વિષયો પર આધારિત ફિલ્મો જ પ્રદર્શન અને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે. વિષયો નીચે પ્રમાણે છે.

  • ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય
  • રાષ્ટ્રીય સુરક્ષા
  • રચનાત્મક કાર્ય
  • ભારતીય પરિવાર
  • સામાજિક સમરસતા
  • લોક કલાઓ
  • જળ, વૃક્ષ અને સ્વચ્છતા
  • મહિલા
  • શૌર્ય
  • રાષ્ટ્રીયતા
  • રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણ શિક્ષા