રંગોત્સવ માટે આવી ગયાં વિવિધ રંગો અને અનોખી પિચકારીઓઃજૂઓ વિડીયો

અમદાવાદ– પૌરાણિક કથા અનુસાર હોલિકાદહન બાદ સૌએ ઉત્સવ ઉજવ્યો., એ ઉત્સવ રંગોત્સવમાં ફેરવાયો. હિંદુ પરંપરા મુજબ શેરી-ગામ-સોસાયટીના નાકા પર હોલિકાદહન બાદ સૌ લોકો પોતાની આગવી રીતે ઉત્સવ ઉજવે છે. આપણી ઉત્સવ પ્રિય પ્રજા દરેક પ્રાંત, રાજ્ય, સંપ્રદાય, સમુદાયમાં વહેંચાયેલી છે, કેટલાક પ્રાંતમાં અનોખી રીતે રંગોત્સવ ઉજવાય છે.  પાણી, છાણ, કાદવ, કલર , કેસૂડાં તો ક્યાંક ફક્ત ગુલાબથી હોળીધૂળેટી ઉજવાય છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતમાં હોળીધૂળેટીનું મહત્વ વધારે છે. વ્રજ સહિતના દુનિયાભરના મંદિરો- યાત્રાધામમાં રંગોત્સવ ઉજવાય છે. હવે આવી એકદમ નવી જનરેશનની વાત જેમાં રિસોર્ટ, વોટર પાર્કસ, ક્લબ્સમાં પણ ખાણીપીણી, ડાન્સની મોજમસ્તી સાથે રંગોત્સવ ઉજવાય છે.

2019 માં ઉજવાનારા ધૂળેટીના તહેવાર માટે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના માર્ગો પર જુદાજુદા રંગોનું વેચાણ શરુ થઇ ગયું છે. 10 થી 20 રુપિયે સો ગ્રામ ડબ્બીમા, પ્લાસ્ટિક થેલીમાં વિવિધ રંગોનું વેચાણ થઇ રહ્યું છે. માર્ગો પરની લારીઓ, ખૂમચા, મંડપો  અને વિશાળ દુકાનોમાં 20 રુપિયાથી માંડી 550 રુપિયા સુધીની પિચકારીઓ મળી રહી છે. સ્પાઇડરમેન, કેપ્ટન અમેરિકા સ્ટીવ રોજર્સ, મોટુ, છોડા ભીમ જેવા પાત્રો ની પિચકારી મ્ળી રહી છે.

વિરાટ કોહલી અને બાહુબલી જેવા પાત્રો થ્રી  ડી અને ફોર  ડીમાં મઢી પિચકારી સાથે  જોડી દેવામાં આવ્યા  છે. હિંદુ સંસ્કૃતિના દરેક તહેવાર-ઉત્સવમાં ભોજનમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ઉત્તરાયણમાં તલના લાડુ, ઉંધિયુ-જલેબી, દશેરામાં ફાફડા-જલેબી ખવાય છે.  હોળી-ધૂળેટીના પર્વમાં ધાણી-મમરા-ચણા-સિંગ, ખજૂર અને હાયડા લોકો આરોગે છે. હોળી-ધૂળેટીમાં કેટલાક પરિવારો દીકરીને તેમજ સગા-સંબંધીને વિવિધ પ્રકારના હાયડા મોકલાવે છે.

અમદાવાદ શહેરના બજારોમાં અસંખ્ય રંગો-પિચકારીઓ, ધાણી-ખજૂર-હાયડા-સિંગ-ચણા  સાથે નાના-મોટા વેપારીઓ આવીતો ગયા છે. પણ હાલ વેપાર નબળો છે, વેપારીઓની આશા છે કે છેલ્લી ઘડીએ વેચાણ અવશ્ય વધશે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ