અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતે કરી આત્મહત્યા

અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરે અને દેવું વધી જવાના કારણે વધુ એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમરેલીના કાચરડી ગામની આ ઘટના છે કે જ્યાં આ ગામમાં રહેતા બાવચંદભાઈ વસાણીના એકના એક યુવાન દીકરાએ પાક નિષ્ફળ જવાના ડરથી અને આર્થિક સંકડામણ વધી જતા ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે કાચરડી ગામમાં આ ઘટના બનતા અત્યારે આખા ગામમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે.

કમલેશ નામનો આ યુવાન પરિવારનો એકનો એક દીકરો હતો. કમલેશના જવાથી અત્યારે કમલેશના બાળક અને પત્નિ સહિત આખો પરિવાર નોંધારો બની ગયો છે. માત્ર બાર વીઘાની ટૂંકી ખેતીમા ખતરોડી ખાઇને નાકકડા પરિવારનું ગુજરાન ચલાવનાર હવે આ જગતમાથી કાયમી વિદાય લેતા તેમની અર્ધાંગના અને માતાપિતા તથા બે બાળકો નોધારા બન્યાં છે.

મહત્વનું છે કે અમરેલી જિલાના ત્રણ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેમાં આ તાલુકાનો સમાવેશ છે. ગામના સરપંચનુ માનીએ તો આ ગામમાં સીઝનનો ટોટલ વરસાદ માત્ર ત્રણ ઈંચ જેટલો જ પડ્યો છે. અને ઓછા વરસાદ વાળા ગામમાં વધુ કોઇ ખેડુત આવુ પગલુ ન ભરે એ માટે સરકાર ગંભીરતાથી વિચારે તે સમય હવે પાકી ગયો છે.

અમરેલી જિલામાં ખેડુતોએ આત્મહત્યાની ઘટનાઓના આંકડાઓ ઉપર નજર કરીએ તો ધારી તાલુકામા 2 બાબરા તાલુકામા 2, અમરેલી તાલુકામા 3, અને લાઠી તાલુકામા 1 મળીને કુલ આઠ ખેડુતોએ આત્મહત્યા કરી છે.