ખેડૂત આંદોલનનો આક્રોશ ગુજરાત પહોંચ્યો, દૂધ શાકભાજી રસ્તે ફેંક્યાં

અમદાવાદ-દેશભરમાં 10 દિવસના આંદોલન પર ઉતરેલાં ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાઇ રહ્યાં છે. ખેડૂતો દ્વારા સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માગણી કરવામાં આવી છે. વિરોધરુપે દેશભરમાં ખેડૂતો તેમનાં દૂધ-શાકભાજી વગેરે ઉત્પાદન રસ્તા પર ફેંકી રહ્યાં છે.ગુજરાતમાં હવે ખેડૂતોના આંદોલનની અસર સામે આવી છે. રવિવારે અમરેલીમાં થયેલા દેખાવો બાદ આજે ભાવનગર, ગીર-સોમનાથ સહિત જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજીતરફ ખેડૂતોના આંદોલનને પગલે સરકારે પણ સાવધાની રાખતાં આઈબીને ખેડૂતોના આંદોલન પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છે.

ગીર સોમનાથમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતાં હવે અન્ય રાજ્યમાં ચાલી રહેલા પ્રદર્શનનું હથિયાર ઉગામવાનું નક્કી કર્યું છે. કોડીનાર સુગર ફેક્ટરી રોડ પર રસ્તા પર દૂધ ઢોળી ધઇને ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ઉપરાંત ખેડૂતોએ દૂધ અને શાકભાજી નહીં વેચવાનું નક્કી કર્યું છે. બીજીતરફ ટેમ્પોના માલિકો પણ દૂધ ભરવાનું ટાળી રહ્યાં છે.

સ્વામીનાથન કમિશનની આ ભલામણોનો અમલ ચાહે છે ખેડૂતો

પ્રોફેસર એમ એસ સ્વામીનાથન ભારતીય ગ્રીન ક્રાંતિના જનક કહેવાય છે. તેમના વડપણ હેઠળ નવેમ્બર 2004માં ફાર્મર કમિશન બનાવવામાં આવ્યું હતું. જેણો પોતાનો રીપોર્ટ 2006માં સોંપી દીધો હતો. જેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી.

કમિશનની ભલામણોઃ
– પાકની ઉત્પાદન કીમતથી 50 ટકા વધુ કીમત
– સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવાય
– ગામડાઓમાં ગ્રામ્ય માહિતી કેન્દ્ર (વિલેજ નોલેજ સેન્ટર) બનાવવામાં આવે
– મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવે
– કૃષિ જોખમ ફંડ જેમાંથી કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય
– સરપ્લસ તેમ જ પડતર જમીનના ટૂકડાઓનું વિતરણ કરાય
– ખેતીલાયક જમીન, જંગલની જમીનને બિનખેતીના ઉદ્દેશ્ય માટે કોર્પોરેટ્સને ન સોંપાય
– પાક વિમાની સુવિધા સમગ્ર દેશમાં દરેક પાક માટે આપવામાં આવે
– દરેક ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂત માટે ખેતી કરજની વ્યવસ્થા થાય
– સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતાં કરજ પર વ્યાજદર ઘટાડીને ચાર ટકા કરવામાં આવે
– કુદરતી આફતના સમયમાં પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી કરજ વસુ઼ૂલાત અને વ્યાજ વસૂલાતમાં રાહત અપાતી રહે
– સતત કુદરતી આફતના સમયમાં ખેડૂતોની મદદ માટે એક એગ્રિકલ્ચર રિસ્ક ફંડ ઉભું કરવામાં આવે.