પરીક્ષામાં ડર લાગે છે? PM મોદી 16 ફેબ્રુઆરીએ આપશે ટિપ્સ

ગાંધીનગર/નવી દિલ્હી- પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે ત્યારે આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૬ ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ બપોરના ૧૧થી ૧ર કલાક દરમિયાન આ વિષય અંગે વિડીયો કોન્ફરન્સ કરનાર છે. વડાપ્રધાન આ વિડીયો કોન્ફરન્સ દ્વારા ધોરણ ૬થી ૧રના અને કોલેજના વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધી માર્ગદર્શન આપી તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરશે.આ સંદર્ભમાં કેન્દ્રીય માનવ સંસાધનપ્રધાન પ્રકાશ જાવડેકરે આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશના રાજ્યોના શિક્ષણપ્રધાનો સાથે સંવાદ કરીને વડાપ્રધાનના આગામી વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ સંબંધે વિગતો આપી હતી.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ કાર્યક્રમ સંબંધે આનુષંગિક તૈયારીઓ માટેની સજ્જતા પણ દર્શાવી હતી. ચુડાસમાએ આ જ વિષય પર ગત બે વર્ષ દરમિયાન પરીક્ષાઓની પૂર્વસંધ્યાએ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરીને આ દિશામાં કરાયેલા પ્રયાસોની માહિતી જાવડેકરને આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષાઓના સમયે વિદ્યાર્થીઓમાં અનુભવાતી તાણના વિષયે એક્ઝામ વૉરીયર્સ શીર્ષક હેઠળ ર૦૮ પાનાનું પુસ્તક લખ્યું છે. જેનું ગત જાન્યુઆરી મહિનામાં વિમોચન થયું હતું. આ પુસ્તકમાં આ વિષયની વિસ્તૃત છણાવટ કરાઇ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]