ગૌરવ દહિયાના કેસમાં હવે આ નિવૃત્ત અધિકારી કરશે તપાસ

અમદાવાદઃ ગુજરાત સરકારે પૂર્વ આઈએએસ અધિકારી વીએસ ગઢવી સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ દુર્વ્યવહારના આરોપોની તપાસની જવાબદારી સોંપી છે. ગઢવી તપાસ કરશે કે દહિયા વિરુદ્ધ લાગેલા આરોપોની સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસ યોગ્ય છે કે નહી. તેઓ એ મુદ્દા પર પણ વિચાર કરશે કે મામલામાં આગળની કાર્યવાહી જરુરી છે કે નહી.

પ્રિન્સિપલ સેક્રેટરી કમલ દાયાણીએ કહ્યું કે ખાતાકીય પ્રક્રિયા અંતર્ગત પૂર્વ આઈએએસ અધિકારી ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. સેવાનિવૃત્ત થયા પહેલા ગઢવી રાજ્યના મુખ્ય ઈન્ફોર્મેશન કમિશનર હતા. તેમના રિપોર્ટ પર સરકાર એ નિર્ણય કરશે કે 2010 બેંચ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની જરુર છે કે નહી.

રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સમિતિએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં દહિયાને દુર્વ્યવહારના દોષીત માન્યા છે. સમિતિના રિપોર્ટના આધાર પર સરકારે 14 ઓગસ્ટના રોજ દહિયાને સસ્પેન્ડ કર્યા હતા. દિલ્હીની એક મહિલાએ તેમના વિરુદ્ધ બહુવિવાહ અને ફ્રોડનો આરોપ લગાવ્યો હતો.