અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોનો ક્રેઝ કાયમ, વાલીઓમાં વધતી લોકપ્રિયતા

અમદાવાદઃ સામાન્ય રીતે તો એવું કહેવાય છે કે, બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપાવવું જોઈએ. પરંતુ અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓના આંકડા ચોંકાવનારા છે. આ આંકડાઓ પરથી લાગે છે કે, શહેરીજનોનો ગુજરાતી તરફનો લગાવ ઘટી રહ્યો છે. માતા પિતાની બાળકોને ગુજરાતી માધ્યમની જગ્યાએ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા વધી રહી છે જેના પગલે અમદાવાદમાં ગુજરાતી શાળાઓની ડિમાન્ડ ઘટી રહી છે.

જિલ્લા શિક્ષણઅધિકારી આર.સી. પટેલના મતે ચાલુ વર્ષે અમદાવાદ શહેમાં 42 જેટલા અરજદારોએ પ્રાથમિક શાળા શરુ કરવા માટે અરજી કરી હતી. જેમાંથી 38 જેટલી અરજીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે માત્ર 4 જ અરજદારો છે જેમણે ગુજરાતી શાળા શરુ કરવા માટેની અરજી કરી છે. ધોરણ 1થી 5 માટે 20 જેટલી શાળાઓએ અરજી કરી હતી જેમાં અંગ્રેજી માધ્યમની 18 અને ગુજરાતી માધ્યમની 2 શાળાઓનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે ધોરણ 6થી 8માં 22 જેટલી શાળા માટે અંગ્રેજી માધ્યમની 20 અને ગુજરાતી માધ્યમની 2 શાળાની અરજીનો સમાવેશ થાય છે. એટલુ જ નહીં અમદાવાદમાં ચાલુ વર્ષે 10 જેટલી શાળાઓ બંધ કરવાની અરજી આવી છે. જેમાં મોટા ભાગની શાળાઓ ગુજરાતી માધ્યમની હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ શહેરની જ નહીં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ આજ સ્થિતિ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ 42 જેટલી શાળાઓ શરુ કરવા માટે અરજી આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમની 32 જ્યારે ગુજરાતી માધ્યમની 10 શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધોરણ 1થી 5થી અંગ્રેજી માધ્યમની 14 અને ગુજરાતી માધ્યમની 10 શાળાઓ શરુ કરવાની અરજી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ આવી છે.

મહત્વનું છે કે, ગુજરાતી ભાષાને જાળવવામાં દર વર્ષે ગુજરાતી લીટરેચર ફેસ્ટીવલ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજકાલ દરેક માતા પિતા પર પોતાનું બાળક અંગ્રેજી શાળામાં અભ્યાસ કરે તેવી ઈચ્છા ધરાવે છે. જેના પગલે દરેક માતાપિતા પોતાના બાળકનું એડમિશન ઈંગ્લિશ મિડિયમ શાળામાં લઈ રહ્યાં છે. દેખા દેખી કહો કે બીજુ કઈ પરંતુ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં જ અભ્યાસ કરાવવાનો ક્રેઝ હવે વધી રહ્યોં છે. અને એના કારણે જ ગુજરાતી શાળાનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે.

અમદાવાદમાં વધી રહેલા અંગ્રેજી માધ્યમની સ્કૂલના ક્રેઝને કારણે ગુજરાતી માધ્યમની સ્કૂલના વળતા પાણી દેખાઈ રહ્યાં છે. અને જે પ્રકારે અમદાવાદ શહેરમાં 935 ખાનગી પ્રાથમિક શાળાઓ છે. જેમાં એક સમયે 100 ટકા ગુજરાતી શાળાઓ હતી હાલ તે ટકાવારી 60 ટકા ગુજરાતી અને 40 ટકા અંગ્રેજી થઈ ગઈ છે. એટલે ધીરે ધીરે ગુજરાતી શાળાઓમાં ઘટાડો થઈ રહ્યોં છે.