બાકી વીજબિલ ભરપાઈ યોજના લંબાવાઈ, સપ્ટેમ્બર સુધીમાં 51.88 કરોડ વસૂલી શકાયાં

ગાંધીનગર-વીજ ગ્રાહકોના લાભાર્થે ચલાવાતી એક યોજનામાં સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમ જ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના પ૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-ર૦૧૭ અગાઉ જાહેર કરવામાં આવી હતી. આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, યોજનાની મૂદત વધુ ત્રણ માસ માટે એટલે કે ૧ ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત બિનગ્રાહકો, વાણિજ્યીક, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજગ્રાહકો અને બીનગ્રાહકો તથા સ્ટ્રીટ લાઇટ અને જનરલ પરપઝ લાઇટ ટેરિફ ધરાવતા વીજગ્રાહકો માટે વ્યાજમાં સંપૂર્ણ માફીને પણ આ સ્કીમમાં આવરી લીધા હતા.

વીજ વિતરણ કંપનીઓના જુદાજુદા ગ્રાહકો પાસે વીજ બિલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧/૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા ગ્રાહકો માટે જો ૩ માસની અંદર મુદ્દલ રકમ ભરી દે તો રકમમાં પ૦ ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે.

અન્ય તમામ કક્ષાના વીજગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે. આ યોજના હેઠળ અગાઉની તા.૩૧/૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.૩૧/પ/ર૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.ર૪/૭/ર૦૧૮ના રોજ પૂર્ણ થતી હતી તેને તા.૩૦/૯/ર૦૧૮ સુધી વધારવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ૩૦- સપ્ટેમ્બર-ર૦૧૮ સુધી આ યોજનાની મૂદતમાં વધારો થવાને પરિણામે ૧ લાખ ૩૬ હજાર ર૯૪ ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે.

વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની રકમની વસૂલાત પણ આ યોજના અન્વયે થઇ છે. અત્યાર સુધીમાં ૩૯૬ માફી મેળાઓ યોજીને વીજ બિલની રીકવરીનું પ્રમાણ વધારવા અને ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં ઊર્જા વિભાગને સફળતા મળી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]