સરકારી મેડિકલ કોલેજોના કર્મચારીઓને મળશે 7માં પગારપંચનો લાભ

ગાંધીનગર– રાજ્ય સરકારે તમામ અધિકારી કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપી દીધાં છે ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર સંચાલિત ૬ મેડિકલ કોલેજો તથા ૨ ડેન્ટલ કોલેજો અને GMERS સંચાલિત ૮ મેડિકલ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના મંજૂર મહેકમ પર કામ કરી રહ્યાં છે તેઓને ૭મા પગારપંચના લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આજે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આ સાતમા પગારપંચના લાભો ૦૧/૦૪/૨૦૧૯થી રોકડમાં પગારનું ચૂકવણુ થશે. જ્યારે એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે.

પટેલે ઉમેર્યુ કે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ કે જે સરકાર માન્ય મહેકમ પર ફરજો બજાવે છે. તે તમામને લાભ મળશે. એજ રીતે રાજ્ય સરકાર સંચાલિત મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પ્રાધ્યાપકો, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપક  વર્ગ ૧ના તમામ અધિકારી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને આ સાતમા પગારપંચના લાભો તા.૦૧/૦૪/૨૦૧૯થી મળતા થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]