મતદાનની તૈયારીઓ પૂરીઃ હવે બોલ મતદારોની કોર્ટમાં

ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે અને વિધાનસભા પેટાચૂંટણીની 4 બેઠકોના મતદાન માટેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ઉંઝા અને ધ્રાંગધ્રા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. આવતીકાલે ગુજરાતમાં કુલ ૪,૫૧,૫૨,૩૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગ મતદારોમાં કુલ ૪૩,૦૧૪ મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં કુલ ૫૧,૮૫૧ મતદાન મથકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે કુલ 371 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. તો વિધાનસભા પેટાચૂંટણીની 4 બેઠકો માટે 45 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાને છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૦૭ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૯૯૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૬૭,૪૧૭ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ,૦૩,૩૭૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ.મુરલી કૃષ્ણાએ કહ્યુ હતુ કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી જાહેરાતની તારીખથી જ આચાર સહિંતા લાગુ કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયુ છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે.

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. ૨૦.૦૪.૨૦૧૯ સુધીમાં રૂ. ૫૨૪.૩૪ કરોડની કિંમતનું અંદાજે ૧૩૦.૭૩ કિલો જેટલું Contraband Drugs, રૂ. ૧૧.૧૩ કરોડનો ૩.૯૦ લાખ લિટર દારૂ તેમજ કુલ ૭.૫૮ કરોડ રોકડ અને રૂ. ૧.૮૮ કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે. આમ કુલ જપ્ત થયેલ રોકડ/વસ્તુઓની કુલ રકમ રૂ. ૫૪૪.૯૪ કરોડ થાય છે.

જપ્ત કરવામાં આવેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે ૬.૯૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૦.૬૧ કરોડની રોકડ જપ્ત કરી છે. જેમાં ૧.૦૪ કરોડ સૂરત, રૂ. ૦.૯૪ કરોડ વલસાડ, રૂ. ૨.૪૫ કરોડ અમદાવાદ, રૂ. ૧.૨૪ કરોડ રાજકોટ, રૂ. ૦.૫૪ કરોડ વડોદરા, રૂ. ૦.૩૫ કરોડ નવસારી અને રૂ. ૦.૯૭ કરોડ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચની અદ્યત્તન સૂચનાઓ મુજબ ચૂંટણી પ્રક્રીયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરની કુલ ત્રણ વાર તપાસ કરવામાં આવે છે, અને તેમા કોઇ વિસંગતતા જોવા મળે કે હિસાબો સમયસર રજુ ન કરે તો તે માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી દ્વારા નોટીસ પાઠવી ખુલાસા મંગવામાં આવે છે.

પ્રથમ તપાસણી દરમિયાન કુલ ૩૭૧ ઉમેદવારો પૈકી ૨૮૨ ઉમેદવારોએ હિસાબો રજુ કર્યા હતા, જ્યારે બાકી રહેલા ૮૯ ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવી હતી. આજ રીતે બીજી તપાસણી દરમિયાન ૩૪૫ ઉમેદવારોએ હિસાબો રજુ કર્યા હતા, જ્યારે બાકી રહેલા ૨૬ ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવી હતી. ત્રીજી તપાસણી ચાલુ છે જેમાં અત્યાર સુધી કુલ ૨૩૦ ઉમેદવારોએ હિસાબો રજુ કર્યો છે. ૧૨ ઉમેદવારોને હિસાબો રજુ ન કરવા બદલ નોટીસ પાઠવવામાં આવી છે જ્યારે ૧૦ બેઠકોના ઉમેદવારોના હિસાબની તપાસણી ચાલી રહી છે. તમામ ઉમેદવારોના હિસાબો/નોટીસો CEO Website ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું કે આચાર સંહિતા ભંગની કુલ 186 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. રાજ્યમાં જાહેર ઈમારતો પરથી ૧,૦૬,૩૫૪ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા પતાકા વગેરે દુર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ 18,819 જાહેરખબરોના પોસ્ટર્સ, અને બનર્સ દૂર કરવામાં આવ્યા છે. CVIGIL માં કુલ – ૨૮૨૯ ફરિયાદો મળી છે. તે પૈકી ૧૯૫ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવી જ્યારે બાકીની ૨૬૩૪ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ તેનો નિકાલ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]