દરેક શાળામાં સુરક્ષા સમિતિ બનાવી વિદ્યાર્થીઓની રક્ષા કરોઃ સરકાર

અમદાવાદ- શહેર જ નહીં રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે દરેક શાળાઓ સુરક્ષા સમિતિની રચના કરે.આ સમિતિમાં આચાર્ય સહિત એક સક્રિય વરિષ્ઠ શિક્ષક, મુખ્ય વિદ્યાર્થી કે વિદ્યાર્થિની, નજીકના ફાયર સ્ટેશનના અધિકારી-કર્મચારી અને નજીકના પોલિસ સ્ટેશનના અધિકારી-કર્મચારી અને એક ડૉક્ટર સહિત 6 સભ્યની સમિતિ બનાવવામાં આવશે.

આ સમિતિએ બાળકો સાથે સંકળાયેલી 11 બાબતોનું ધ્યાન રાખવાનું તેમ જ તેની માહિતી દર મહિને ઓનલાઇન રજૂ કરવાની રહેશે. આચાર્યએ ahmedabaddeo.blogspot.com પર શાળા સલામતીની માહિતી પર ક્લિક કરીને શાળાની માહિતી ભરવાની રહેશે. સાથે આચાર્યના સહીસિક્કા સાથેનું વિગતો ભરેલું પ્રમાણપત્ર પણ શાળાસંકુલ કન્વીનરને રજૂ કરવાનું રહેશે.

બાળકોની સુરક્ષાના પ્રયાસોમાં અમદાવાદ જિલ્લાની તમામત સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ- નોન ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરાયો છે.

શાળામાં સુરક્ષાના મુદ્દા

સલામતી સમિતિ રચના

શાળાનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન

સેફ્ટી ઓડિટ કરાયું છે કે નહીં

વાર્ષિક મોક ડ્રિલ

ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા

જ્વલનશીલ ઝેરી પદાર્થ માટે સલામતીના ધારાધોરણ

શાળાના મકાન બાયલોઝ સેફ્ટી અનુસાર છે કે કેમ

સલામતી માટે બાળકોને-શિક્ષકોને તાલીમ