રાજ્યમાં અલગઅલગ ચાર સ્થળે ભૂકંપના આંચકા

અમદાવાદ- રાજ્યમાં આજે અલગઅલગ ચાર સ્થળે ભૂકંપના હળવા આંચકા અનુભવાયાં હતાં. દક્ષિણ ગુજરાત અને રાજકોટ વિસ્તારમાં આ આંચકા વધુ અનુભવાયાં હતાં.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં લોકોએ બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવ્યાં હતાં. જેનાથી શાળાના બાળકો ગભરાઇ જતાં બાળકોને વર્ગખંડોની બહાર કાઢી લેવાયાં હતાં. ધરમપુરના આવધામાં બપોરે 1:15 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાઓની ખબરને ગુજરાત મેટ્રોલોજીકલ વિભાગે પણ સમર્થન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના અતુલ નજીક પાર નદી પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું તેમ જ 2.1 મેગ્નિટ્યુડનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું સમર્થન મેટ્રોલોજીકલ વિભાગે જણાવ્યું હતું. જિલ્લાના રાજપુરી જંગલ માં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં.રાજકોટ જિલ્લાના ગોંડલ તેમ જ પંથકના મોટા ઉમવાળામાં પણ ધરતીકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. અહીં બપોરે 12:37 વાગ્યે 3ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેમ જ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 8 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ઉકાઇ પાસે 2ની તીવ્રતાના આંચકા નોંધાયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]