ઉનાળામાં નર્મદાનું પીવાનું પાણી પૂરતું છે: નિતીન પટેલ

  • નર્મદા ડેમમાંથી પાણીના વિતરણનો કાપ મુકવાનો હોય ત્યારે પ્રથમ ઉદ્યોગો પર જ મુકાય છે : ઉદ્યોગોને વાર્ષિક ૦.૨૦ મિલિયન એકર ફિટ સામે માત્ર ૦.૦૬ મિલિયન એકર ફિટ પાણી અપાય છે
  • ૧૫મી માર્ચ ૨૦૧૮ સુધી શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી આપવાની જાહેરાત રાજ્ય સરકારે અગાઉ કરી જ છે.

ગાંધીનગર– ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં થયેલ ઓછા વરસાદના પરિણામે મધ્યપ્રદેશના બાર્ગી, તવા, ઈન્દિરાસાગર જેવા મોટા ડેમમાં પાણીની આવક ઓછી થવાથી સરદાર સરોવર ડેમમાં પાણી ઓછું આવ્યું છે. જેના પરિણામે કિસાનોને રવિ પાક માટે ૧૫ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત અગાઉ રાજ્ય સરકારે કરી છે. તેમજ ઉનાળા દરમ્યાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે, એમ ડેપ્યુટી સીએમ નિતીન પટેલે જણાવ્યું છે.

નિતીનભાઈએ ઉમેર્યું કે, સરદાર સરોવર બંધના સ્ત્રાવ વિસ્તારમાંથી ૯૭.૫% મધ્યપ્રદેશમાં આવેલો છે. જ્યાં ચાલુ સાલે ખુબ ઓછો વરસાદ થતાં ગત વર્ષની સરખામણી એ બાર્ગીમાં ૩૦૧ મિલિયન ઘન મીટર, તવામાં ૫૨૧, ઈન્દિરા સાગરમાં ૫૭૫૯ મિલિયન ઘન મીટર પાણીનો ઓછો સંગ્રહ થયેલ છે. સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ કરી દરવાજા લગાડી બંધ કરવાના કારણે આ ડેમમાં ચોમાસાના અંતે ગતવર્ષની સરખામણી એ ૧૫૩૩ મિલિયન ઘન મીટર પાણી વધુ સંગ્રહ કરી શકાયું પરંતુ બીજીબાજું મધ્યપ્રદેશના મોટા, મધ્યમ તથા નાના બંધો અને તે ઉપરાંત બિન-ચોમાસું સમયગાળામાં મળતા ઝરણાઓના પાણીમાં ઘટાડો થતાં એકંદરે પાણીની ઉપલબ્ધતા સામાન્ય રીતે ૨૮ મિલિયન એકર ફીટની સાપેક્ષમાં ૧૪.૬૫ મિલિયન એકર  ફિટ આકારવામાં આવેલ છે.

આના પરિણામે તમામ ભાગીદાર રાજ્યોના પાણીના જથ્થામાં ઘટાડો થયો છે અને ગુજરાતને ફાળે સપ્રમાણ ૯ મિલિયન એકર ફિટની બદલે ૪.૭૧ મિલિયન એકર ફિટ ફાળવણી થઈ છે. મધ્યપ્રદેશના મોટા બંધોમાં પાણીનો સંગ્રહ ઓછો હોઈ સામાન્ય રીતે તે બંધોમાં વિજ ઉત્પાદન પછી સરદાર સરોવરમાં આ સમયગાળા દરમ્યાન ૧૨,૦૦૦ થી ૧૮,૦૦૦ ક્યુસેક આવરો રહેતો હોય છે. તેની સરખામણીએ ચાલુ વર્ષે ૧૦૦૦ થી ૩૦૦૦ ક્યુસેકનો પાણીનો આવરો રહ્યો છે. જેના પરિણામે રાજ્યના નાગરિકો  અને ખેડુતોને આગામી સમયમાં પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરાયું છે.

તેમણે ઉમેર્યુ કે, મધ્યપ્રદેશના જંગલોમાંથી નર્મદા નદી નીકળે છે. સામાન્ય રીતે ઝરણા તેમજ અન્ય નદીઓનું પાણી નર્મદામાં બારેમાસ વહેતું હોય છે. પરંતુ આ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે જંગલોમાંથી નર્મદા નદીમાં પાણીની આવક ઓછી થઈ છે. રાજ્યના કિસાનોને સિંચાઈની સુવિધા માટે તેમજ ૪ કરોડથી વધુ નાગરિકો ને શુદ્ધ પીવાનું પાણી નર્મદા આધારીત છે ત્યારે ઓછા વરસાદના પરિણામે આ આયોજન કરાયું છે. રાજ્યના કિસાનોને નર્મદા દ્વારા ખરીફ અને રવિ સિજનના પાક માટે પાણી અપાતું હોય છે. અગાઉ જાહેરાત કર્યા મુજબ શિયાળુ પાક માટે ખેડુતોને ૧૫મી માર્ચ ૨૦૧૮ સુધી નર્મદાનું આ પાણી અપાશે. કિસાનોને ઉનાળુ પાકના  વાવેતરથી આર્થિક રીતે નુકશાન ન થાય તેના આગોતરા આયોજન માટે કિસાનોને આ પાક ન લેવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. જેથી નાગરિકો  અને ખેડુતોને ગેરમાર્ગે ન દોરાવવા પણ રાજ્ય સરકારે અપીલ કરી છે.