જન્માષ્ટમીના દર્શને ઉમટી ભારે ભીડ, ચતુર્સ્તરીય સુરક્ષાના ઘેરામાં દ્વારિકાધીશ…

દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરોડો ભક્તો લીન છે ત્યારે તેઓનુ સુરક્ષા માટે પણ ગુજરાતના દ્વારિકાધીશ સહિતના તમામ મંદિરોમાં પૂર્ણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. દ્વારકામાં દેવભૂમિ દ્વારકા પોલિસ વિભાગે ચૂસ્ત બંદોબસ્ત જગત મંદિર પરિસર અને અને સમગ્ર દ્વારકામાં ગોઠવી દીધો છે. મંદિરની અંદરથી લઈને બહાર સુધી ચતુર્સ્તરીય સુરક્ષા કવચ ગોઠવાયું છે.યાત્રિકોને મંદિર પ્રવેશ પહેલાં ચેક કરવામાં આવે છે.  પ્રવેશ બાદ દર્શન કરવામાં અગવડ ન પડે તે માટે બેરિકેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા સર્વેલન્સ પર પણ ઉચ્ચ અધિકારીઓની નજર છે. 

જગત મંદિર આસપાસ આવેલ અનેક વિસ્તારો પર નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે અને ભક્તોને અગવડ ન પડે તેવા પ્રયત્નો કરાયાં છે. મંદિરની ની સુરક્ષામાં એક એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઇ , 27 પીએસઆઇ અને 600થી વધુ પોલીસ જવાનો સાથે એસઆરપી, જીઆરડી, હોમગાર્ડ જવાનો મળી પોલીસ કાફલો સુરક્ષાકાર્ય બજાવી રહ્યાં છે. જન્માષ્ટમી પર્વે લાખો દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખી ના વિશેષ બંદોબસ્તમાં કુલ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે અને શહેર તેમજ મંદિર આસપાસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને જન્માષ્ટમી ની ઉજવણી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.