ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ શરુ, નદીઓમાંથી રેતી ચોરતાં તત્વો પર લગામ કસાઇ

ગાંધીનગર– ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ કરનારાઓ પર લગામ કસવા આધુનિક ટેકનોલોજીનો સહારો લેવાયો છે. સીએમ રુપાણીએ આવા લોકો સામે લાલ આંખ કરવાની ચીમકી સાથે ખાણખનીજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સીસ્ટમનો પ્રારંભ કરાવ્યો છે.

આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રારંભિક તબક્કે સાબરમતી, ઓરસંગ, તાપી અને ભાદર જેવી મોટી નદીઓમાંથી થતી બિન અધિકૃત રેતી ખોદકામની પ્રવૃત્તિઓ પર ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રસંગે રુપાણીએ કહ્યું કે  સરકાર કોઇપણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત શાસન માટે અડગ છે.

ડ્રોન સર્વેલન્સ ખનીજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનીજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે  તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનીજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગનો નિર્ણય કરવામાં આવ્યો છે

આ પ્રસંગે માહિતી આપવામાં આવી હતી કે પોલિસદળને પોકેટકોપથી સજ્જ કરીને ગુનેગારોના ડેટા હાથવગા બનાવ્યાં છે તેમ હવે ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી આ જ પ્રકારે ખાણ ખનીજ વિભાગ પણ ગેરકાયદે ખનનમાફિયાઓને નશ્યત કરી શકશે. આ સીસ્ટમ સાથે ભવિષ્યમાં રાજ્ય સરકારના અન્ય વિભાગો પાણી પૂરવઠા, માર્ગ-મકાન વગેરેને પણ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી સાંકળી લેવાશે.

ખનીજ વિસ્તારોમાં ઓનલાઇન હરાજીથી જ નિકાલ કરવામાં આવનાર છે અને તે માટે ૬૮૬ જેટલા જુદા જુદા ખનિજોના બ્લોક હરાજી માટે તૈયાર કરી દીધાં છે. સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં લાઇમ સ્ટોન ખનીજના ત્રણ મોટા વિસ્તારોનો ગત વર્ષે હરાજીથી નિકાલ કરવામાં સફળતા મળી છે જેને લઇને ભવિષ્યમાં રાજ્યને નવ હજાર કરોડ જેટલી માતબર આવક રોયલ્ટી અને પ્રિમિયમના માધ્યમથી થશે.

ખનીજ ખોદકામ અને વહનમાં ગેરરીતિઓ નામશેષ કરવા માટે ખનીજ વિસ્તારોનું માઇનિંગ સર્વેલન્સ સિસ્ટમમાં અક્ષાંશ અને રેખાંશ સાથે ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત ખનીજોનું કાયદેસર વહન થાય અને તેમાં ગેરરીતિ ન થાય તે માટે બારકોડ અને હોલોગ્રામ સહિતના સ્પેશિયલ સિક્યોરિટી પેપર્સ સહિતના રોયલ્ટી પાસ ઇશ્યૂ કરવામાં આવે છે. રાજ્યમાં કુલ બે લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ખાણખનીજ સંપદા ધરાવે છે તેના પર આ ત્રિનેત્રથી સતત વોચ રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં આ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ અને રાજ્યસ્તરે કમાન્ડ કંટ્રોલ રૂમ, વિજિલન્સ સઘન બનાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]