ઉભરાતી ગટરોઃ વિકસિત વિસ્તારોમાં ત્વરિત પગલાંનો અભાવ

અમદાવાદઃ અમદાવાદ હવે મેગાસિટીની સાથે હેરિટેજ સિટી પણ બન્યું છે પરંતુ આ હેરિટેજ સિટીના કેટલાક વિસ્તારોની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અમદાવાદ ચારે તરફ વધ્યું છે, સાથે નજીકના તમામ નાનામોટા ગામડાંનું ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે. કેટલાક વિસ્તારોના બાગ-બગીચા સાથે તળાવને વિકસાવવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ નવા રંગરુપ સાથે તળાવો બનાવાયાં છે. તાજેતરમાં જ તળાવોની સાફસફાઈ અને તેને ઊંડા કરવાનું કાર્ય કરવામાં આવ્યું. કરોડોના ખર્ચે ભંગાર, કચરાના ઢગ અને ગટરના ગંદા પાણીમાં ફેરવાયેલા તળાવોને ચોતરફ સમારકામ કરી નવીનીકરણ કરાયા બાદ પણ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે.

શહેરના નવા વિકસિત થઇ રહેલા ચાંદલોડિયા-ગોતા નજીકના સોપાન-શરણ પાસેના તળાવ નજીક જ છેલ્લા પંદર દિવસ જેટલા સમયથી ગટરના દુર્ગંધ મારતા પાણી નદીની જેમ માર્ગ પર વહી રહ્યાં છે. કેટલીક ગટરોમાંથી ફૂવારાની જેમ પાણી માર્ગો પર વહી રહ્યાં છે. વિકસિત વિસ્તારની પ્રજામાં ગંદા પાણીના વહેણ જોઇ ભારે રોષ ફેલાઇ રહ્યો છે. સાથે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. એક તરફ તળાવો ઉંડા કરવાની, સમારકામ-સફાઇ કરવાની કામગીરી, વિકાસ થયાનો ઢંઢેરો પીટવામાં આવે છે. પરંતુ જ્યાં સમસ્યા ઉભી થાય છે એ વિસ્તારમાં ત્વરિત સમારકામ કે પગલાં લેવામાં તંત્રની નિષ્ફળતા દેખાય છે.સ્થાનીકો દ્વારા પોતાના વિસ્તારમાંથી પોતાના વિસ્તારના કાર્યો કરવા માટે ચૂંટવામાં આવેલા કોર્પોરેટરો પણ આ જ વિસ્તારમાં રહેતા હોવા છતા તે લોકો પણ આ સમસ્યાને ધ્યાન પર લઈ આગળ યોગ્ય રજૂઆત કરતા નથી. ચૂંટણી ટાણે ઘરે ઘરે ફરીને મત માંગવા જતા નેતાઓને જાહેર રોડ પર ફેલાઈ રહેલી ગંદકી દેખાતી નથી. ત્યારે રોડ પર ફેલાઈ રહેલી આ ગંદકીને લઈને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે.

(તસવીરઃ અહેવાલ—પ્રજ્ઞેશ વ્યાસ)