જાણીતા લેખક, ‘ચિત્રલેખા’ની નવલકથા ‘વિષ-અમૃત’ના સર્જક ડો. પ્રદીપ પંડ્યાનું નિધન

વડોદરા – અત્રેના જાણીતા કિડની નિષ્ણાત ડો. પ્રદીપ પંડ્યાનું ટૂંકી બીમારી બાદ આજે સાંજે નિધન થયું છે. એમની વય ૭૫ વર્ષ હતી.

૨૦૦૮ની સાલમાં ‘ચિત્રલેખા’ સામયિકમાં ડો. પ્રદીપ પંડ્યાની ‘વિષ-અમૃત’ નવલકથાને ધારાવાહિક રૂપે પ્રગટ કરવામાં આવી હતી જેને લાખો વાચકોએ ખૂબ વખાણી હતી. ‘વિષ-અમૃત’ નવલકથામાં દરદી સાથે વિશ્વાસઘાત કરતી ફાર્માસ્યુટિકલ કંપની વિશેની વાત હતી. આ પુસ્તકમાં લેખકે તબીબી વ્યવસાય અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગોબાચારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ‘વિષ-અમૃત’ નવલકથાને ‘ચિત્રલેખા’ની ગુજરાતી તથા મરાઠી, બંને આવૃત્તિમાં એકસાથે પ્રકાશિત કરવામાં આવી હતી.

ડો. પ્રદીપ પંડ્યા

ડો. પ્રદીપ પંડ્યાએ ૧૯૭૦માં એમ.ડી. થયા પછી ખાનગી પ્રેક્ટિસની સાથે મૂળજીભાઈ કિડની હોસ્પિટલમાં માનદ્દ નેફરોલોજિસ્ટ તરીકે અને વડોદરાની પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી હતી.

ડો. પંડ્યાને કવિતાનો પણ શોખ હતો. ૧૯૯૨માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અને મૌન તૂટે છે’ પ્રગટ થયો હતો.

એમની પ્રથમ નવલકથા હતી ‘ધારો કે એક સાંજ’. એમણે લખેલી ‘ધ હોસ્પિટલ’ ગુજરાતી સાહિત્ય (કદાચ ભારતીય સાહિત્ય)ની સર્વપ્રથમ મેડિકલ થ્રિલર હતી. ત્યારબાદ એમણે ‘તાંડવ’, ‘બારૂદ’, ‘પીળી કૂંપળ’, ‘રણમાં ડૂબ્યું વહાણ’ નવલકથાઓ લખી હતી.

ડો. પ્રદીપ પંડ્યાના પરિવારમાં એમના પત્ની ગીતાબહેન, પુત્ર ડો. મનીષ પંડ્યા ન્યુ મેક્સિકોમાં નેફરોલોજિસ્ટ છે તથા પુત્રી વૈશાલી સેન ફ્રાન્સિસ્કોમાં એપલ કંપનીમાં સિનિયર મેનેજર છે.

ડો. પ્રદીપ પંડ્યાના નિધનને પગલે એમના પરિવારજનો પ્રતિ ‘ચિત્રલેખા’ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે.

ઈશ્વર ડો. પ્રદીપ પંડ્યાના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]