દિવાસો : પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા સ્મશાને જવાનો દિવસ, બેનરો સહિત…

અમદાવાદ: હિંદુ સંસ્કૃતિના બારેય માસના છેલ્લાં ચારેય માસ ઉત્સવો, તહેવારો અને વ્રતથી ભરપૂર હોય છે. ચોમાસાની સાથે જપ, તપ અને વ્રતનો મહિમા વધી જાય છે. અષાઢ માસની અમાસ એટલે દિવાસો.

આ દિવસે જુદા જુદા વ્રતોની સાથે એક આખોય સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપે છે.એ સમાજ છે… દેવીપૂજક સમાજ.. જુદી જુદી જાતિઓ, સમાજો અને પરંપરાઓ સાથે હિંદુ સંસ્કૃતિ ઉભી થઇ છે અને ટકી રહી છે. હિંદુ સંસ્કૃતિનો દેવી પૂજક સમાજ દિવાસાના દિવસે પોતાના પૂર્વજોને યાદ કરે છે. 

દેવીપૂજક સમાજના કેટલાક સભ્યો દિવાસાના દિવસે સ્મશાને જઇ પરિવારના, સમાજના અગત કે જે મૃત્યુ પામ્યાં છે, એમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપે છે. ફૂલ, ફૂલના હાર તેમ જ મૃતકની ગમતી ચીજવસ્તુઓ સ્મશાને જઇ અર્પણ કરે છે.આ આધુનિક જમાનામાં પરિવારજનો મૃતકોના બેનર્સ તેમ જ સુવિચારો પણ પ્રદર્શિત કરે છે. અમદાવાદના નરોડા તરફ જતાં માર્ગ પર આવેલા ચામુંડા સ્મશાને દિવાસાની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. દેવીપૂજક સમાજના સભ્યોએ પરિવારની જેમ એકઠાં થઇ પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

ચામુંડા સ્મશાનગૃહ ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દિવાસોના તહેવારમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે આપણે તહેવાર પ્રિય પ્રજા છીએ. દરેક સમાજ-સમુદાય  પોતાની આગવી રીતે વિવિધ તહેવારોની ઉજવણી કરતો હોય છે. તેમણે હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરાને જીવંત રાખવા બદલ દેવીપૂજક સમાજને અભિનંદન પાઠવ્યા હતા. દેવીપૂજક સમાજના પૂર્વજોને ગૃહપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સમાજના સામૂહિક તહેવારમાં ભાગીદાર બન્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]