અમદાવાદ- સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારને મુદ્દે જનસામાન્યની પરેશાનીનો પાર નથી તો લાંચીયા અધિકારીઓને નાથવા માટે એન્ટિકરપ્શન બ્યૂરો માટે પણ નાનુંસૂનું કામ નથી. લાંચ લેતાં અધિકારીઓને ઝડપી લેવા અધિકારીઓની માહિતી આપનારાઓ માટે એસીબીએ માતબર ઇનામની જાહેરાત કરી છે. કોઈ પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત અંગે માહિતી આપશે તેમને રૂ. 25 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.ભ્રષ્ટાચારીઓને ડામવા માટે આકરે પાણીએ કામ કરતાં એસીબીમાં સરકારે મોટી ભરતી પણ કરી છે ત્યારે અનેક અધિકારીઓ પર ઝીણી નજર રાખીને તેમના વહેવાર તપાસવામાં આવી રહ્યાં છે. બાતમી લાંચના કેસમાં બાતમી મોટો આધાર બનતી હોય છે જેને લઇને બાતમીદાર માટે 25 લાખ રુપિયાનું ઇનામ આપવાની જાહેરાત થઇ છે. સાથે તેવા બાતમીદારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઇનકેમ ટેક્સવિભાગે પણ આવી યોજના અમલી બનાવતાં ભ્રષ્ટાચારને નાથવા ફેબ્રુઆરી-2016માં 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપે તેને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી