જાહેરાતોમાં પપ્પુ શબ્દનો પ્રયોગ ન કરવા EC દ્વારા ભાજપને અપાયા નિર્દેશો

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને ખરાખરીનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ અને ભાજપ સહિતની પાર્ટીઓ મતદારોને પોતાના પક્ષે આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્ચારે ચૂંટણી પંચ દ્વારા ભાજપને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા ભાજપ માટે ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ઈલેકટ્રોનિક માધ્યમોમાં થનારા પોતાના પ્રચાર દરમિયાન “પપ્પૂ” શબ્દના ઉપયોગ કરવા પર રોક લગાવી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે ઘણીવાર આ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના ચૂંટણી પંચના મુખ્ય અધિકારીની મીડિયા કમિટીએ ભાજપ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં પ્રસારીત કરવામાં આવેલી જાહેરાતોમાં થયેલા અમુક શબ્દ પ્રયોગો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૂંટણી પ્રચાર સાથે જોડાયેલી કોઈપણ સામગ્રી તૈયાર કરતા પહેલા કોઈપણ રાજકીય પાર્ટીએ મંજૂરી લેવા માટે તેને ગુજરાત CEOની મીડિયા કમિટીને તે સામગ્રી મોકલવી પડે છે. કમિટીએ ટેલીવિઝ અથવા તો કોઈપણ ઈલેકટ્રોનિક ક્ષેત્ર સાથે સંકળાયેલી એકવર્ટાઈઝમેન્ટમાં “પપ્પુ” શબ્દના પ્રયોગ પર વાંધો ઉઠાવ્યો છે અને ભાજપને પપ્પુ શબ્દની જગ્યાએ અન્ય કોઈ શબ્દનો પ્રયોગ કરવા માટે નિર્દેશ અપાયો છે.