દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ અને નલિયાકાંડનો અહેવાલ ગૃહમાં રજૂ, ક્લીનચિટ

ગાંધીનગરઃ અમદાવાદના આસારામ આશ્રમના દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસનો અહેવાલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ ડી.કે.ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ આજે વિધાનસભામાં મુકવામાં આવ્યો હતો. આ સાથે જ નલિયાકાંડનો અહેવાલ પણ આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો..અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા દીપેશ-અભિષેક નામનાં બે પિતરાઈ ભાઈઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યાં હતાં. જે મામલે આસારામ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સત્ય બહાર લાવવા રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું. આ પંચે જુલાઇ 2013માં તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો હતો. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે આજે વિધાનસભા ગૃહમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ મુકવામાં આવ્યો હતો. છ વર્ષ પછી બહાર પાડવામાં આવેલા ડી.કે.ત્રિવેદી પંચ મુજબ બાળકોના મોત ડૂબી જવાથી થયાં છે. અંગ ગાયબ થવાના કે તાંત્રિક વિધિ થઈ હોવાના પુરાવા મળ્યાં નથી. ડી.કે.ત્રિવેદી પંચે વર્ષ 2013માં જ રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારે 6 વર્ષ અને વિધાનસભાના લગભગ 12 સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્યો છે.સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી જેલભેગા કરી દીધા છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા 28 જેટલા આશ્રમમાં સજા જાહેર થતાં સન્નાટો ફેલાઈ ગયો હતો. સવારે આસારામને સજા જાહેર થવાની હતી તે પહેલાં મોટેરા આશ્રમમાં ભક્તો આવી પહોંચ્યા હતા અને સજા ન થાય તે માટે હવન પણ કર્યા હતા.

નલિયાકાંડની તપાસ માટે જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું. તપાસ પંચનો રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ.જી. દવે કમિશનને રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભલામણો કરી છે. જ્યારે તપાસ અહેવાલ પ્રમાણે દુષ્કર્મની ઘટના બની હોવા અંગે કોઈ સાહિત્ય મળ્યું ન હોવાની નોંધ કરવામાં આવી છે.તપાસ પંચના અહેવાલ મુજબ, ઓગસ્ટ-2015 થી નવેમ્બર-2016 દરમિચાન કચ્છ જિલ્લાની યુવતી ઉપર બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય કે વિગતો ઉપલબ્ધ થઈ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોવાથી પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયાનું ફલિત થતું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]