ધોલેરા સિટી પાણીમાં નથી ડૂબ્યું, તંત્રએ મીડિયાને લઇ જઈ બતાવવું પડ્યું, હકીકત…

અમદાવાદ: દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર જેવી સ્થિતી ઉદભવતાં, ‘ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી પણ પાણીમાં ડૂબી ગયું છે’ એવા કેટલાક અખબારો અને મીડિયામાં પ્રદર્શિત થયેલા અહેવાલોને પગલે આજે સ્થળ મુલાકાત લઈ રહેલા પત્રકારોને ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટીના મેનેજિંગ ડીરેક્ટર જયપ્રકાશ શિવહરેએ સત્ય હકીકતથી વાકેફ કર્યા હતા. એમણે સ્પષ્ટતા કરી હતી કે, આ વિસ્તારમાં ભારે વરસાદ પડવા છતાં પણ ઈન્ડસ્ટ્રીયલ સિટી વિસ્તારમાં કોઈ જ પાણી ભરાયાં નથી કે ઈન્ડસ્ટ્રીયલ સંટી નથી પાણીમાં ડૂબ્યું. જોકે, ભારે વરસાદને પગલે સ્વાભાવિક છે કે, ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીની નજીકના નાના નાનાં ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ છે. ત્યાં જે સ્થિતિ છે તે ઈન્ડસ્ટ્રીયલ સિટીને લાગુ પડતી નથી.

ચાલુ સોમાસામાં આખા દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત સહિતના અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા છે. ત્યારે અમદાવાદ નજીક આકાર પામી રહેલ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીની આસપાસના અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને ‘વોટર લોગીંગ’ના નામે મીડિયામાં ઈન્ડસ્ટ્રીયલ સીટી પ્રોજેક્ટ વિસ્તાર અંગેના ભવિષ્ય અંગે અનેક તર્કવિતર્ક કરતા અહેવાલો પ્રસિધ્ધ થઈ રહ્યાં છે. મેનેજીંગ ડીરેક્ટર શિવહરેએ પત્રકારોને આજે સમગ્ર ધોલેરા સિટી વિસ્તારની મુલાકાત કરાવી હતી અને દર્શાવ્યું હતું કે આ ઈન્ડસ્ટ્રીયલ સિટી વિસ્તારમાં કોઈ જ  ‘વોટર લોગીંગ’ની સ્થિતિ નથી જેથી સીટીના ભવિષ્ય સામે જે સવાલો ઉભા કરાયા છે એ બેબુનિયાદ છે.

અમદાવાદથી 100 કીલોમીટર આકાર લઈ રહેલા ગુજરાતના મહત્વાકાંક્ષી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી પ્રોજેક્ટ ખાતે જાત મુલાકાત લઈ રહેલા પત્રકારોને જયપ્રકાશ શિવહરે એ સ્થળ ઉપરની સ્થિતિ અંગેની મુદ્દાસર માહિતી આપી હતી. ‘ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી કોઈ જ પ્રકારે વોટર લોગીંગની અસર નીચે પાણીમાં નથી. તેમણે પત્રકારોને, ધોલેરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પડેલા વરસાદ અને એનાથી આસપાસના ગામડાઓમાં ઉભી થયેલી અસરોથી વાકેફ કર્યા હતા.

એમણે કહ્યું કે, ઉપરવાસમાં જે વરસાદ પડે છે એના પાણી ભોગાવો નદી, સુખભાદર અને લીલકા નદીઓ તરફ વહે છે. ધોલેરા પાસેથી વહેતી નદીઓના ઉપરવાસના વિસ્તારોમાં પડતા વરસાદ આધારિત વહેતી નદીઓ છે, તેથી આ નદીઓમાં વહેતાં પાણી માત્ર વરસાદની ઋતુમાં જ વહે છે. જ્યાં સુધી એના પાણી ખંભાતના અખાતમાં મળે છે, ત્યાં સુધીમાં તો આ પાણી કાંતો જમીનમાં ઉતરી જાય છે કે, પછી ગરમીથી હવામાં બાષ્પિભવન થાય છે.

ભારે વરસાદના સમયમાં, આ નદીઓ એમના કિનારા છોડી પટની બહાર વહેવવા લાગે છે અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય છે.  આમ થવાનું કારણ એ છે કે, આ સમગ્ર વિસ્તાર નીચાણવાળો અને સપાટ પ્રદેશ છે. સામાન્ય રીતે નદીઓના કિનારા કાચા છે એટલે, પૂરના પાણી એના કિનારાની ઉપરવટ જતાં ‘ઓવરફ્લો’ની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ‘ઓવરફ્લો’ની સ્થિતિ ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા કરે છે.

આમછતાં, આ પૂરની સ્થતિ આ વિસ્તારના માત્ર નાનાં ગામડાંઓ પૂરતી સિમીત જ છે. ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી કે જે ભારતની સૌથી મોટું ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી અને ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર બની રહ્યો છે એ વિવિધ આંતરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ્સ અને શ્રેષ્ઠ પધ્ધતિઓના આધારે આંતરમાળખાકિય સવલતો સહિત ડીઝાઈન કરવામાં આવ્યો છે. જેમ કે, ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીમાં સ્ટોર્મ વોટરના નિકાલ માટે 100 વર્ષમાં આવતા સૌથી ભારે પૂરની સ્થિતિને ધ્યાને લઈને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ ડીઝાઈનને ધ્યાને લેવામાં આવી છે.

તમામ આંતરમાળખાકિય સ્ટ્રક્ચર્સ આ સ્ટોર્મ વોટરની કોઈ પણ પરિસ્થિતિને પહોંચે વળે એ રીતે અને વરસાદી પાણીને સહેલાઈથી દરિયામાં વહાવી શકાય એ રીતે ડીઝાઈન કરાયાં છે. ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીમાં જે સ્ટ્રક્ચર્સનું આયોજન કરાયું છે એમાં, પીવાલાયક પાણી અને રીસાયકલ વોટર નેટવર્ક, સુયેઝ અને ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્લ્યુઅન્ટ નેટવર્ક, સ્ટોર્મ વોટર ડ્રેઈન્સ, પાવર અને આઈસીટી ડક્ટ જેવા તમામ ભૂગર્ભ ટ્રંક ઈંફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

એમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ‘જે રીતે સમગ્ર ધોલેરા પૂરને ઝપટમાં આવે ગયું છે અને રહેઠાણો પૂર્ણ રીતે અસર પામ્યાં છે’ એ અહેવાલો સાચા નથી. પૂરના વધતાં પાણીથી ધોલેરાના નીચાણવાળા ગામોના વિસ્તારો જ પૂરના પાણીથી અસર પામ્યા છે. પરંતુ, ધોલેરા સિટી ઈન્ડસ્ટ્રીયલ રીજીયનમાં જે બાંધકામો ચાલી રહ્યાં છે એ મોટાભાગે પૂરની અસરથી મુક્ત રહ્યાં છે.

ડીએસઆઈઆરના અધિકારીએ જોકે, કહ્યું હતું કે, કેટલાક પ્લોટ્સ ઉપર વોટર લોગીંગના કેટલાક છૂટાછવાયાં બનાવો બન્યાં પણ છે, પરંતુ, આવું નાનું મોટું તો દરેક બાંધકામ સઈટ કે સ્થળો ઉપર બનવું સામાન્ય છે; અને રેઈન વોટર ડ્રેઇન સીસ્ટમ હજુ તો બાંધકામ હેઠળ છે અને આ વરસાદી પાણી જ હતું જે આ પ્લોટસમાં ભરાઈ રહ્યું હતું ત્યારે ધોલેરા સિટી પૂરની ઝપેટમાં આવી ગઈ છે કહેવું યોગ્ય નથી.

“એક વખત આ પ્લોટ્સ ભરાઈ જશે ત્યારે ડ્રેઈન વોટર સીસ્ટમ પૂરી ક્ષમતા સાથે વરસાદી પાણીનો નિકાલ કોઈ પણ જાતની અડચણ વિના કરી દેશે. ધોલેરા સીટી ‘બેસ્ટ સ્ટોર્મ વોટર મેનેજમેન્ટસીસ્ટમ’નું શ્રેષ્ઠ એક ઉદાહરણ બનશે અને કે ભવિષ્યમાં બનનાર દરેક શહેરો માટે એક રોલ મોડેલ બની રહેશે” એમ પણ જયપ્રકાશ શિવહરેએ ભારપૂર્વક જણાવ્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]