ડીજીપીએ ગુજરાતમાં કેફી અને માદક પદાર્થો પકડવા ખાસ ડ્રાઇવ યોજવા ATSને કર્યો આદેશ

ગાંધીનગર- ગુજરાતમાં કોઇપણ જાતના માદક પદાર્થોનું વેચાણ કે હેરફેર ન થાય અને રાજ્યના યુવાનોમાં આ દૂષણ રહેવા ન પામે તે માટે ડી.જી.પી. દ્વારા એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ, અફીણ, ગાંજો, ચરસ જેવા નશાકારક માદક પદાર્થો ગુજરાતમાં કોઇપણ સંજોગોમાં મળે નહિ તે માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આ માટે ATSના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ Special Operation Group(SOG)ની ટીમોને તાત્કાલીક આ અંગે દરોડા પાડવા અને આવા માદક પદાર્થોનું ક્યાંય પણ વેચાણ કે સેવન થતું હોય તો તે સંદર્ભે ગુનાઓ દાખલ કરી કેસ કરવા સૂચના આપી છે.

આ માટે ATSના પોલીસ અધિક્ષક હિમાંશું શુક્લાના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં SOG દ્વારા બે ગુનાઓમાં કુલ મળીને 10 કીલો 290 ગ્રામ ગાંજો પકડવામાં આવેલ છે. અમદાવાદના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ બંને ગુનાઓમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.  તેવી રીતે ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પણ ગાંધીનગર જીલ્લાની SOGની ટીમને આપેલ આદેશ મૂજબ બે કેસોમાં કુલ મળીને 32 કીલો ગાંજો પકડી પાડયો છે. બંને ગુનાઓમાં કુલ 5 આરોપીઓની ઘરપકડ પણ કરવામાં આવેલ છે.

આગામી દિવસોમાં પણ ATSના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં નાર્કોટીક્સ પકડવા માટે કાર્યવાહી વધુ સઘન અને તેજ કરવા ડી.જી.પી.એ આદેશ આપ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]