અમદાવાદઃ પાર્કિંગ નોટિસનો અમલ ન કરનારની મિલકત થશે સીલ

અમદાવાદઃ શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવને લઈને ટ્રાફિક પોલિસ વધુ કડક બની છે. નિયમોનું પાલન ન કરી રહેલી શહેરની અનેક શાળાકોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પલેક્સ વગેરે મિલકતોને ટ્રાફિક પોલિસ દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ જે કોઈ આ નોટિસનું પાલન નહીં કરે તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે. અને ત્યારબાદ તંત્ર દ્વારા તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે.

તો આ સીવાય ફ્લેટ, સોસાયટી તેમજ મિલકતોની બહાર નો-વિઝિટર પાર્કિંગના બોર્ડ લગાવનારા લોકોની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે અને તે તમામ લોકો પર પગલા લેવાશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે શહેરની શાળા-કોલેજો, મોલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ વગેરે મળી અંદાજિત ૧૦૦૦ મિલકતોને ટ્રાફિક પોલીસ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ પણ મિલકતના સંચાલકો દ્વારા પાર્કિંગ મામલે કોઈ પગલાં અથવા વ્યવસ્થા નહિ કરવામાં આવી હોય તો તેમનું લિસ્ટ તૈયાર થશે અને ત્યાર બાદ તે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.