સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે DY CMએ આપ્યાં પત્ર

ગાંધીનગર- સ્ટાફ નર્સો ગુજરાતની પ્રતિષ્ઠાની એમ્બેસેડર બને તેવા અનુરોધ સાથે નાયબ સીએમ નિતીન પટેલે નવનિયુક્ત 1466 સ્ટાફનર્સને નિમણૂકપત્ર  આપ્યાં હતાં.છેવાડાના નાગરિકોને તાત્કાલિક તથા ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યાં છે ત્યારે નવનિયુક્ત સ્ટાફ નર્સો દર્દીઓને સારી સારવાર થકી રાજય સરકારની પ્રતિષ્ઠાના એમ્બેસેડર બની આગવી ભૂમિકા અદા કરે તે જરૂરી છે, એમ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે.૧,૪૬૬ પસંદ પામેલ સ્ટાફ નર્સને નિમણૂંકપત્ર એનાયત કરવા સાથે રાજ્યમાં ૧,૬૪૫ આરોગ્ય કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે અપગ્રેડ કરવાના છે તે પૈકી પસંદ થયેલ ૮૧૩ પેટા આરોગ્ય કેન્દ્રમાંથી ૪૦૨ કોમ્યુનિટી હેલ્થ ઓફીસરોને પણ નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.

ગુરુવારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ રહેલા 1,466 સ્ટાફ નર્સને નિમણૂંકપત્રો એનાયત કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગ એ પ્રજાની સેવા કરવાનો પ્રજાલક્ષી વિભાગ છે ત્યારે આપ સૌને દર્દીઓની સેવા કરવાની રાજય સરકારે જે તક આપી છે તેને સુપેરે નિષ્ઠાથી નિભાવીને સમાજમાં જેમ શિક્ષકોનું માન છે એ રીતે નર્સોનું પણ માન વધે તેવા પ્રયાસો કરશો. તેમણે કહ્યું કે, આગામી સમયમાં નવા ૧૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂંક પણ રાજય સરકાર દ્વારા કરાશે. રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ વિભાગોમાં વિવિધ કેડરોમાં ૧ લાખથી વધુ કર્મચારીની ભરતી કરી છે.  રાજયના સાડા છ કરોડથી વધુ નાગરિકોને સમયસર અને ઝડપી સારવાર પૂરી પાડવા માટે રાજય સરકાર કટિબધ્ધ છે ત્યારે, રાજયની મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સોની નિમણૂંક કરી છે તે ચોકકસ આશિર્વાદરૂપ નિવડશે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં આરોગ્ય વિભાગનું મર્યાદિત બજેટ હતું, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવાકીય ક્ષેત્રે પ્રાધાન્ય આપીને આરોગ્ય વિભાગને માતબર બજેટ ફાળવીને દીર્ઘ આયોજન કર્યું છે. જેના પરિણામે આજે મેડિકલ બેઠકોમાં વધારાની સાથે હોસ્પિટલો વધી છે.

રાજય સરકારે મધ્યમ વર્ગોના પરિવારોને કીડની, હ્રદય જેવા ગંભીર રોગો તથા પ્રસુતિ સમયે મદદરૂપ થવા મા અને મા વાત્સલ્ય યોજના અમલી  કરી છે, જે હેઠળ પ્રતિવર્ષ રૂ. ૩ લાખની મર્યાદામાં મફત સારવાર અપાય છે. અત્યાર સુધી ૬૮ લાખ દર્દીઓની સારવાર પેટે રૂ. ૨૧૭૦ કરોડની રકમ સીધે સીધી હોસ્પિટલોને રાજય સરકારે ચૂકવી દીધી છે. ઉપરાંત આયુષમાન ભારત અંતર્ગત પણ રૂ. ૫ લાખની વાર્ષિક સારવાર કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રતિ વર્ષ પૂરી પડાશે જેમાં પણ રાજયના ૨.૪૪ કરોડ નાગરિકોને લાભાન્વિત કરવામાં આવશે. નવનિયુક્ત સ્ટાફ નર્સ સમક્ષ માનવ સેવાના અમૂલ્ય અવસરને પૂરી નિષ્ઠાથી દર્દી તેમજ તેના પરિવારજનોની સાથે સંવેદનાથી સેવા કરવા ભાર મૂક્યો હતો અને એ રીતે તમે ચોક્કસ કામ કરશો તેઓ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે નવનિયુક્ત સ્ટાફ નર્સને ટીમ હેલ્થમાં આવકારતાં કહ્યું કે, આપ સૌને પગારની સાથે સેવા કરવાનો અવસર રાજ્ય સરકારે આપ્યો છે ત્યારે, માનવ સેવાના આ યજ્ઞમાં આપ પૂરેપૂરી નિષ્ઠાથી અને સંવેદનાથી ફરજો અદા કરી સાચા અર્થમાં કર્મયોગી બનશો એવી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યભરમાં ૩૫૦થી વધુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨૨ સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ માળખાગત સવલતો દ્વારા પાંચ કરોડથી વધુ આઉટ ડોર દર્દીઓને સારવાર તથા ૫૦ લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સેવા દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.