અમદાવાદઃ ગ્રીન કોરિડોર દ્વારા 14 મિનિટમાં સિવિલથી સિમ્સ હોસ્પિટલ સુધી હાર્ટ પહોંચાડાયું

અમદાવાદઃ અમદાવાદમાં એક માતાએ પોતાના મૃત દિકરાનું હાર્ટ ડોનેટ કર્યું છે. પતિ અને સાસરિયાઓએ પોતાના મૃત દીકરાના હાર્ટને ડોનેટ કરવાની ના પાડી હોવા છતા માતાએ દીકરાનું હાર્ટ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અમદાવાદમાં પ્રથમવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ગ્રીન કોરિડોર બનાવાયો હતો. ગ્રીન કોરિડોરમાં 14 મિનિટમાં જ સિવિલથી દીકરાનું હાર્ટ સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડાયું હતું.

ત્યારે આ ગ્રીન કોરીડોર માટે સાંજના પીક અવર્સના સમયે ટ્રાફિકના ભારણ વચ્ચે ગ્રીન કોરીડોર બનાવી અને માત્ર 14 મિનિટમાં 12 કિલોમીટરનું અંતર કાપી અસારવા સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ સુધી હાર્ટને પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ મહત્વપૂર્ણ કામગીરી નીભાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સિવિલ હોસ્પિટલથી હાર્ટને એસજી હાઈવે પર આવેલી સિમ્સ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રૂટ નક્કી કર્યો હતો અને પછી તે રૂટ પર સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હાર્ટ લઈને જતા સમયે બે એમ્બ્યુલન્સને પાઈલોટિંગ માટે પણ રાખવામાં આવી હતી. પોલીસની સરાહનીય કામગીરીથી એક દર્દીને નવજીવન મળ્યું હતુ.

માત્ર ૧૪ મીનીટમાં જ અસારવા સિવિલ હોસ્પિટલથી હાર્ટને ૧૨ કિ.મી. અંતર કાપી સિમ્સ હોસ્પિટલ પહોંચાડયું હતુ જ્યાં હાર્ટ પહોંચતાની સાથે તમામ તૈયારી સાથે સિમ્સ હોસ્પિટલના તબીબો તૈયાર હતા જેથી તેઓએ હાર્ટ આવતાની સાથે દર્દી લીલાધર વ્યાસની હાર્ટ સર્જરી શરુ કરી હતી. અમદાવાદ શહેર પોલીસ સેકટર-૨ના એડિ. પોલીસ કમિશનર અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, અમારી માટે પીક અવર્સના ગણતરીના સમયમાં હાર્ટને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પડકાર હતો પણ દર્દીને નવજીવન મળે તે માટે અમે સ્થાનિક પોલીસની મદદથી ટીમો તૈયાર કરી ગ્રીન કોરીડોર તૈયાર કર્યો હતો. પોલીસની ટીમો ખડેપગે રહી હતી. બુધવારે સાંજે ૧૪ મીનીટમાં હાર્ટને પહોંચાડયું હતુ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]