ચર્ચિત IASને દિલ્હી પોલિસનું તેડું, 21 ઓગસ્ટે હાજર થવા નોટિસ

ગાંધીનગર: ગુજરાત કેડરના આઈએએસ ગૌરવ દહીયા વધુ એક સાણસામાં સપડાયાં છે. એકતરફ રાજ્ય સરકાર દ્વારા દહીયાને સસ્પેન્ડ કરી દેવાયેલાં છે ત્યારે આજે દિલ્હી પોલિસે પણ તેડું મોકલ્યું છે. ગૌરવ દહીયાને 21 ઓગસ્ટે દિલ્હીના માલવીયા પોલિસ સ્ટેશને હાજર રહેવા જણાવાયું છે.

ફાઈલ ચિત્ર

ઉલ્લેખનીય છે કે ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયાના પ્રેમપ્રકરણ-બીજા લગ્નના કેસમાં રાજ્ય સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેના રિપોર્ટ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સબમીટ કર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા પણ ગૌરવ દહીયાને નોટીસ પાઠવવામાં આવી છે. દિલ્હી પોલીસે દહીયાને 21 ઓગસ્ટના દિવસે નિવેદન આપવા માટે દિલ્હીના માલવીયા પોલિસ સ્ટેશન ખાતે હાજર રહેવાની નોટિસ પાઠવી છે.

દિલ્હીની પીડિતા યુવતી લીનુ સિંહ દ્વારા દિલ્હીના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ગૌરવ દહીયા વિરુદ્ધ અરજી અને ફરિયાદ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને હવે માલવિયા નગર પોલીસ સ્ટેશન દ્વારા ગૌરવ દહીયાને જવાબ આપવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

નોટિસમાં જણાવ્યા પ્રમાણે 21 ઓગસ્ટે ગૌરવ દહીયા માલવિયા પોલિસ સ્ટેશનમાં હાજર રહીને પોતાનું નિવેદન આપે તે બાબતની નોટીસ માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલિસ દ્વારા અગાઉ પણ 3 વખત ગૌરવ દહીયાને નોટિસ પાઠવવામાં આવી હતી.પરંતુ ગૌરવ દહીયા એક પણ વખત જવાબ આપવા માટે હાજર થયા નથી. આ અંગે ગૌરવ દહીયાએ લેખિતમાં પોલિસને જણાવ્યું હતું કે, તેઓની તબિયત ખરાબ હોવાથી તેમને 6 દિવસનો ટાઈમ આપવામાં આવે. પરંતુ ગૌરવ દરિયાએ 3 દિવસની અંદર જ ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગર પોલિસ દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં તેણે અરજી કરી હતી. ત્યારે હવે દિલ્હી પોલિસે આપેલી નોટિસને ગૌરવ નિવેદન આપવા જશે કે કેમ તે અંગે આઈએએસ વર્તુળમાં ચર્ચા છે.