હવે રાજકોટ સુધી લંબાશે દિલ્હી-અમદાવાદ દુરન્તો ટ્રેન

ગાંધીનગર– મેટ્રો રેલવે સહિતની અન્ય મોટી રેલ પરિયોજનાઓને લઇને વિવિધ સ્તરે કામગીરી પૂરજોશમાં છે. ત્યારે તેની સમીક્ષા માટે કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલ અને સીએમ વિજય રુપાણીની મુલાકાત યોજાઇ હતી. બંને સત્તાધીશોએ સાનુકૂળ વાતાવરણમાં સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પ્રોજેક્ટ કાર્યની પૃચ્છા સાથે જરુરી કાર્યવાહીની સૂચનાઓ આપી હતી.સીએમ રુપાણીએ કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલની મુલાકાતમાં ખાસ કરીને બૂલેટ ટ્રેન, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા અન્ય મહત્વના પ્રશ્નો બાબતે આ સમીક્ષા કરી હતી. બેઠકમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. બેઠકમાં સીએમે મુંબઇ દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દિલ્હી-અમદાવાદ રાજધાની ટ્રેનને પણ રાજકોટ સુધી લંબાવવા માટે વિનંતી કરી હતી. જેનો કેન્દ્રીય રેલવેપ્રધાન પીયૂષ ગોયલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આ બાબતે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.