ડીસા એરપોર્ટને IAF એરબેઝ તરીકે વિકસાવાશે, કેન્દ્ર સરકારનો નિર્ણય

અમદાવાદ– ગુજરાતનું બનાસકાંઠા રાષ્ટ્રીય એરબેઝના નકશામાં અગત્યનું સ્થાન આગામી સમયમાં ધરાવશે. કેન્દ્ર સરકારની સુરક્ષા સમિતિની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બનાસકાંઠાનું ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવામાં આવશે. ડીસા એરપોર્ટને વાયુસેનાનું એરબેઝ બનાવવા કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓન સીક્યૂરિટીનો નિર્ણય, 1000 કરોડ ખર્ચ કરાશે.ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલાં વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે. પાકિસ્તાન સરહદથી નજીક હોવાના કારણે આ એરબેઝ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ડીસા એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે 1000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને લઇને લેવાયેલો આ મહત્ત્વનો નિર્ણય છે. ભારતની વાયુસેનાના વિસ્તાર માટે આ એક મહત્ત્વનો નિર્ણય છે.

આ પ્રોજેક્ટમાં કુલ 4000 કરોડનો ખર્ચ અંદાજાયો છે. ડીસા એરપોર્ટ પર હાલ એક હજારમીટર લાંબી એરસ્ટ્રીપ છે. પ્રથમ ચરણમાં એરસ્ટ્રીપ વિસ્તરણ, ફાઇટર પ્લેન વિંગ નિર્માણ, વહીવટી સંકુલ આદિનું નિર્માણ હાથ ધરાશે. ડીસા એરપોર્ટ ચાર હજાર એકરનો વિસ્તાર ધરાવે છે. આ એરબેઝ ફોરવર્ડ ફાઇટર બેઝ બનશે. આ બેઝ બનવાથી દેશની પશ્ચિમ સરહદનો ભૂજ-બાડમેર એરબેઝ વચ્ચેનો ક્રિટિકલ ગેપ દૂર થશે.