ગુજરાતમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે આપી માહિતી, તંત્ર બચાવ કાર્ય માટે સજ્જ…

0
1816

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ત્યાર બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે આ વાવાઝોડું લક્ષદ્વીપ નજીક છે. ‘વાયુ’ 30થી 35 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી 740 કિલોમીટર દૂર હતું, જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ આ વાવાઝોડું મુંબઈથી 540 કિલોમીટર દૂર છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 13મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે.

વાવાઝોડાને પગલે જામનગર, સોમનાથી, પોરબંદર, કચ્છમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આ દરમિયાન દરમિયામાં બે કિલોમીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. સરકાર દ્વારા અગમચેતીના પગલે પોરબંદર તેમજ વેરાવરળના દરમિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર સુધી પહોંચી શકે છે. ડીપ ડિપ્રેશન જ્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસું મોડું બેસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે. કચ્છમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે એલર્ટ આવ્યું છે. સંભવિત અસરને પહોંચી વળવા માટે કચ્છ કલેકટરની અધ્યક્ષતામાં તમામ પ્રાંત અધિકારી અને વિભાગની બેઠક મળી છે. મહત્વના કંડલા અને જખૌ બંદર પર માછીમારોને સચેત કરાયા છે. તમામ દરિયાઈ વિસ્તારના સરકારી વિભાગને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. NDRFની બે ટુકડી કંડલા અને જખૌ બંદર પર તહેનાત રખાશે.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ ‘વાયુ’ને પગલે એલર્ટ પર છે. જિલ્લાના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. વલસાડ ‘વાયુ’ વાવાઝોડાની શકયતાના પગલે જિલ્લા કલેકટર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દરિયા કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંની આગાહીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે. દરિયામાં સંભવિત ચક્રવાતના પગલે અલગ અલગ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની 9 ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના થઇ ગઇ છે. જરોદ હેડક્વાર્ટરથી 9 ટીમો પણ રવાના થઇ ગઇ છે. તેમને બોટ, જનરેટર સહિતની બચાવ કામગીરીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે.

NDRFની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન, ડૂબતી વ્યક્તિ ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે.

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે.