વાયુ કચ્છના દરિયાકાંઠા તરફ, ભારે પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ- વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે આજે રાતે ટકરાશે, જો કે વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેથી કચ્છ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવશે. એટલે કે હવે વાવાઝોડાની તીવ્રતા સાવ ઘટી ગઈ છે, પણ 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તે વરસાદ લાવશે. વાવાઝોડું વાયુ દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 220 કિલોમીટર દૂર છે જ્યારે ભૂજથી દક્ષિણ પશ્ચિમમાં 320 કિલોમીટર દૂર છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચીવ પંકજકુમારે જણાવ્યું હતું કે ચિંતા કરવા જરૂર નથી. કારણ કે વહીવટી તંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. ગુજરાતમાં કુલ 24 એનડીઆરએફની ટીમ તહેનાત છે. કચ્છમાં 5 ટીમ અને પોરબંદર, દ્વારકા, મોરબીમાં બે બે ટીમ રાખવામાં આવી છે. જૂનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સૂરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની એક એક ટીમ તહેનાત કરાઈ છે. તેમ જ ગાંધીનગરમાં બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

અરબી સમુદ્રમાં રહેલ વાયુ વાવાઝોડું હવે કચ્છના દરિયાકાંઠે ત્રાટકી રહ્યું છે, ત્યારે પોરબંદરના બંદર સહિતના નજીકના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હજી વધુ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.