ગૃહપ્રધાન અમિત શાહે ‘વાયુ’ સંદર્ભે ઉચ્ચસ્તરીય સમિતિ બોલાવી લીધો રીપોર્ટ

0
1628

નવી દિલ્હી- ચક્રવાત ‘વાયુ’ને પરિણામે ઉદભવેલી સ્થિતિનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયો વિભાગોની તૈયારીની સમીક્ષા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.


ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જાણકારી આપી હતી કે, ચક્રવાત ‘વાયુ’ ગુજરાતનાંૉ દરિયાકિનારા પર પોરબંદર અને મહુવા વચ્ચે લગભગ વેરાવળ અને દીવ વિસ્તારમાં 13મી જૂન, 2019નાં રોજ વહેલી સવારે 110- 120 કિલોમીટર પ્રતિકલાકથી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન વરસાદ આવે એવી અપેક્ષા છે. એનાથી ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના પણ રહેલી છે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ચક્રવાત આવવાનાં સમયે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી આવવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ 9 એપ્રિલથી સંબંધિત તમામ રાજ્યોમાં નિયમિતપણે બુલેટિન જાહેર કરે છે. સમીક્ષા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા અને વીજળી, ટેલિકોમ્યુનિકેશન્સ, તબીબી સારવાર અને પીવાનાં પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ જાળવવાની સુનિશ્ચિતતા કરવા શક્ય તમામ પગલાં લેવાની તથા આ આવશ્યક સેવાઓને નુકસાન થવાનાં કિસ્સામાં તાત્કાલિક ધોરણે તેમને પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી હતી. તેમણે કન્ટ્રોલ રૂમની 24×7 કામગીરી માટે પણ સૂચના પણ આપી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા, ભૂવિજ્ઞાન મંત્રાલયનાં સચિવ ડૉ. એમ. રાજીવન તથા આઇએમડી અને ગૃહ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેબિનેટ સચિવ  પી. કે. સિંહાએ રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠકનું આયોજન પણ કર્યું છે, જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી શકાય. આ બેઠકમાં ગુજરાતનાં મુખ્ય સચિવ અને દીવ વહીવટીતંત્રનાં સલાહકાર પણ ઉપસ્થિત રહેશે.