‘ઈટ રાઈટ ઈન્ડિયા’ ગુજરાતના 12 જિલ્લાનો કરશે પ્રવાસ, હેતુ સરસ…

ગાંધીનગર- મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત-સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૬ ઓકટોબરથી ૨૭મી જાન્યુઆરી-૨૦૧૯ સુધી સમગ્ર દેશમાં ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ના ઉપક્રમે જનજાગૃતિ માટે સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ઈટ રાઈટ ઈન્ડિયા’ અંતર્ગત ‘ઈટ હેલ્ધી, ઈટ સેઈફ, ઈટ ફોર્ટીફાઈડ અને નો ફૂડ વેસ્ટ’ની થીમ નક્કી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ યાત્રા વિવિધ સ્થળોએથી શરૂ થઈને ૧૮ હજાર કિ.મી.નું ભ્રમણ કરી નવી દિલ્હી ખાતે સંપન્ન થશે. આ સ્વસ્થ ભારત યાત્રાનું ગુજરાતમાં નવસારી જિલ્લાના દાંડી ખાતે ૧૯ નવેમ્બરના રોજ આગમન થશે. જેને લઈને આજે ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ફૂડ સેફ્ટી સ્ટીયરીંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સાયકલયાત્રા ૧૯મી નવેમ્બર-૨૦૧૮થી ૧૨મી ડિસેમ્બર-૨૦૧૮ એટલે કે ૨૪ દિવસ સુધી દાંડી-નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા-પંચમહાલ, સંતરામપુર-બાલાસિનોર(મહિસાગર) નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાલનપુર એમ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં કુલ ૭૯૧ કિ.મી.નો પ્રવાસ કરશે. જેમાં NCC કેડેટ્સ સહિત વોલેન્ટીયર્સ મોટી સંખ્યામાં જોડાશે.આ કાર્યક્રમમાં પ્રભાત ફેરી, શેરી નાટક અને વિવિધ પ્રદર્શનના માધ્યમથી પ્રજાજનોમાં ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. ઉપરાંત પ્રજાજનોમાં નોન કોમ્યુનિકેબલ ડિઝીઝના નિયંત્રણ માટે હેલ્ધી ફૂડ માટેની અપીલ કરતા ઓડિયો, વીડિયો તેમજ તજજ્ઞ ન્યુટ્રિશિયન દ્વારા ખોરાક અંગે સમજણ આપવામાં આવશે. સ્વચ્છ વાતાવરણમાં બનેલા ખોરાકને પ્રમોટ કરવા માટે જુદા જુદા પ્રદર્શન જેવા કે ‘‘ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ’’,  ‘‘RUCO’’, ફૂડ એડલસ્ટ્રેશન, ખોરાકમાં ભેળસેળને નાથવા માટે આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ દ્વારા સંદેશો આપવામાં આવશે.

રાજયના નાગરિકોને ફોર્ટીફાઈડ ફૂડ મળી રહે તથા માઈક્રોન્યુટ્રીશનની ઉણપ તેમજ કુપોષણને નાથવા માટે ઈન્ડિયન મેડિકલ એસોશિએશન તરફથી આ યાત્રા દરમિયાન જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.