આ પ્રોજેક્ટમાં જેટકોના સબસ્ટેશન નજીકની જમીનના કિસ્સાઓને મળશે પ્રાધાન્ય

ગાંધીનગર: રાજ્યમાં ઉપલબ્ધ સૂર્ય પ્રકાશ તથા પવનની પુરતી ઝડપને ધ્યાને લેતાં અહીં પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં વિશાળ તકો રહેલી છે. ત્યારે રાજ્ય સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે પુનઃ પ્રાપ્ય ઊર્જામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બિનપરંપરાગત ઊર્જામાં વધારો થાય તે માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં “સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેકટ નીતિ” અમલમાં મુકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નીતિ આગામી ૫ વર્ષ માટે રાજ્યમાં અમલી બનશે.

ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે,  રાજ્યમાં સોલાર પાર્કસમાં ભાગ ન લઈ શકે તેવા નાના વીજ ઉત્પાદકો જેવા કે, ખેડૂતો, નાના સાહસિકો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે આ નીતિ અત્યંત આશીર્વાદરૂપ બનશે. જેમાં ૫૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકાશે આ માટે નાના વીજ ઉત્પાદકો કે જે મોટા સોલાર પ્રોજેકટ સ્થાપવા સક્ષમ ન હોય તેઓ પોતાની ખાનગી જમીન પર કે ખાનગી જમીન લીઝ પર મેળવી આવા નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકશે.

તેમણે ઉમેર્યું કે આ પ્રોજેકટ માટે  જેટકોના હયાત સબ-સ્ટેશનોની નજીક હોય તેવી જમીનના કિસ્સાઓને પ્રાધાન્ય અપાશે. રાજ્ય સરકારે જાહેર કરેલ આ નીતિ હેઠળ કોઈપણ વ્યક્તિ,  ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા, ૦.૫ મેગાવોટથી ૪ મેગાવોટ સુધીનો સ્મોલ સ્કેલ પાવર પ્રોજેકટ સ્થાપી રાજ્યની વીજ કંપનીઓને આ ઉત્પાદિત ઊર્જાનું વેચાણ કરી શકશે. ખેડૂતો પોતાની જમીનમાં સ્થાપેલ સોલાર પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદિત થયેલ વીજળી સીધી જ ૧૧ કે.વી.ની વીજ લાઈનમાં દાખલ કરી શકશે. રાજ્યની વીજ કંપનીઓ આ ઉત્પાદિત ઊર્જા ખરીદવા માટે ૨૫ વર્ષના કરાર કરશે. આ ઉત્પાદિત ઊર્જા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા સોલાર પાર્ક સિવાયના પ્રોજેકટ માટે કરવામાં આવેલ બિડીંગ પ્રક્રિયામાં નક્કી થયેલા ભાવથી ૨૦ પૈસા વધુ ભાવે ખરીદવામાં આવશે.

કોઈપણ વ્યક્તિ,  ખેડૂત, સહકારી મંડળી, કંપની કે તેઓ દ્વારા બનાવેલ સંસ્થા ખાનગી જમીન ધરાવતા હોય તે જમીન ઉપર અથવા પીપીએના સમયગાળા માટે ખાનગી જમીન લીઝ ઉપર લઈ પ્રોજેકટ સ્થાપી કરાર કરી શકે છે. આ પોલિસી હેઠળ કોઈપણ પ્રોજેકટ માટે સરકારી જમીન ઉપયોગ માટે આપવામાં આવશે નહીં. વધુમાં આ યોજના હેઠળ ૪ મેગાવોટથી વધુની ક્ષમતાનો પાવર પ્લાન્ટ સ્થાપી શકાશે નહીં. આ પ્રોજેકટના અમલીકરણ માટે ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા(જેડા)ને રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યના ખેડૂતો તેમની બિનઉપજાઉ જમીન ઉપર ખેડૂત પોતે પ્રોજેકટ સ્થાપીને કે જમીનને લીઝ ઉપર આપીને આવક પ્રાપ્ત કરી શકશે. આ પ્રકારના નાના સોલાર પ્રોજેકટ સ્થપાવાના કારણે જે તે વિસ્તારમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.