એચઆઈવી ‘પોઝિટિવ દર્દીએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદઃ કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી ૧૫મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ kovid હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોના પોઝિટિવને પગલે દાખલ થયેલા આ દર્દી અગાઉથી જ એચ.આઈ.વી પોઝિટિવ પણ હતા. તેમની સારવાર માં સિવિલ હોસ્પિટલના તબીબોએ અત્યંત સાવચેતી રાખી હતી. તબીબો સાથે નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફે પણ અન્ય દર્દીઓની જેમ જ તેમની સાથે સંવેદના પૂર્ણ વ્યવહાર રાખી ને તેમનો જુસ્સો જાળવી રાખ્યો હતો.

૨૭ વર્ષના દર્દી છેલ્લા અઢી વર્ષથી એચ.આઈ.વીના રોગથી પીડાતા હતા. હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે પણ તેમના શરીરમાં અનેક ઉણપો હતી. સામાન્ય રીતે કોમ્બિર્ડ કન્ડિશન ધરાવતા દર્દીઓને કોરોના રોગની વધુ ભયાનક અસરો થતી હોય છે ત્યારે આવી critical condition ધરાવતા દર્દીને પણ સિવિલ હોસ્પિટલના તંત્રએ સારવાર આપી કોરોના નેગેટિવ બનાવ્યો છે.

આ દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા તેમના પરીવારજનોમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેઓએ હોસ્પિટલ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]