135 મા સ્થાપના દિને ગુજરાત કોંગ્રેસે બંધારણ બચાવવા રેલી કાઢી

અમદાવાદઃ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સવારે ૧૦-૩૦ કલાકે ઐતિહાસીક ગાંધી આશ્રમની સામેના પટાંગણમાં કોંગ્રેસ સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, આગેવાનોએ ઐતિહાસીક ગાંધી આશ્રમ થી ‘‘સંવિધાન બચાવો… દેશ બચાવો’’ કૂચમાં વિવિધ સાંપ્રત મુદ્દાઓ સાથે કૂચ કરીને સરદાર સાહેબની પ્રતિમા નારણપુરા ખાતે પુષ્પાંજલી કરી હતી.

કોંગ્રેસ સેવાદળના સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ‘‘સંવિધાન બચાવો… ભારત બચાવો’’ કૂચના પ્રસ્થાન પહેલા ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું.

ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષની સ્થાપના થઈ ત્યારે અંગ્રેજોના રાજને ભારત દેશમાંથી હટાવવા માટે પૂજ્ય મહાત્મા ગાંધીજી સૌના ગૌરવ સરદાર સાહેબની આગેવાનીમાં સૌએ સંઘર્ષ કર્યો. કોંગ્રેસપક્ષે આ દેશમાં જે રીતે વિકાસ, પ્રગતિ માટે કામ કર્યું છે. ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં આવી, છેલ્લા છ વર્ષથી દેશ પાછળ ધકેલાઈ રહ્યું છે તેમ સૌને દેખાઈ રહ્યું છે. મંદી, મોંઘવારી, બેરોજગારી આ દેશની પ્રજાના પ્રશ્નો છે.

વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૮મી ડીસેમ્બર ૧૮૮૫ના દિવસે આ દેશમાં આઝાદીના સપનાનો પાયો નાખી આંદોલનને આગળ વધારનારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આજે ૧૩૪ વર્ષ ની લાંબી મંજીલ કાપી ૧૩૫માં વર્ષમાં આ આંદોલન પ્રવેશ્યુ છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતના સાબરમતી તટે પૂજ્ય બાપૂની નિશ્રામાં આપણે સૌએ આ દેશના સંવિધાનને બચાવવા માટે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. કોંગ્રેસ એક જનઆંદોલન છે. આઝાદીનું આંદોલન, અધિકારનું આંદોલન, કિસાનોનું આંદોલન, દલિતોનું આંદોલન, ભારતવાસીઓનું આંદોલન, ભારતના સન્માનનું આંદોલન, ભારતના સ્વાભિમાનનું આંદોલન, આમ અખંડ ભારતના જાતિ, ભાષા અને ધર્મના આધારે ટુકડા કરવા માંગતાં લોકોના શાસનમાં દેશનું સંવિધાન ખતરામાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]