મગફળી મુદ્દે પેઢલામાં કોંગ્રેસ વિપક્ષનેતા પરેશ ધાનાણીનું ઉપવાસ આંદોલન

રાજકોટઃ તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળીમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળવાની ગેરરીતિ સામે આવી છે જેનો વિવાદ જામ્યો છે. જેના તપાસ માટે કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉચ્ચ ન્યાયપાલિકાના નામદાર ન્યાયાધીશોની અધ્યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા સીએમ રુપાણીને પત્ર લખ્યો હતો. તપાસની માગણી નહીં સ્વીકારાય તો ગાંધીચીંધ્યાં માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ધાનાણીએ ઉચ્ચારી છે.આ સંદર્ભે ધાનાણીએ આજથી પેઢલામાં વિરોધપક્ષના નેતા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ આવતીકાલ  ૪-૮-૨૦૧૮, શનિવારે રામરાજ્ય ગોડાઉન, ઉમરાળા રોડ, ગોંડલ ખાતે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે.

પરેશ ધાનાણીએ આક્ષેપો કર્યાં હતાં કે ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્પદ છે.

વિપક્ષનેતા પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ આ પ્રશ્નો ઉપસ્થિત કર્યાં છે.

(૧)     મગફળીની ખરીદીમાંથી કોણ તારવી ગયું છે મલાઈ ?

(૨)     શું કામે પાણી- વિજળી અને પોષણક્ષમ ભાવોનાં અભાવે ખેડૂતો થઈ રહ્યા છે દેવાદાર અને ખેતીવાડી થઈ રહી છે બરબાદ ?

(૩)     શું કામે કૃષિ મહોત્સવના તાયફાઓ પછીયે ખેડૂતોની સંખ્યા અને ખેતીલાયક જમીનનાં ક્ષેત્રફળમાં સત્તત થઈ રહ્યો છે ઘટાડો ?

(૪)     મગફળીનું મુલ્ય ચુંટણી પહેલાં રૂ.૫૫૦ હતું અને ચુંટણી ટાણે રૂ.૯૦૦ માં ખરીદી કરી તો પછી હાલ રૂ. ૫૫૦ માં શું કામે લુંટાઈ રહયા છે ખેડૂત ?

(૫)     ટેકાના ભાવે ખરીદીમાં પણ વ્હાલા દવલાની નિતી અને ભેદભાવ પછીય પ્રતિ મણે રૂ.૫૦નો શું કામે ધરવો પડ્યો કટકી નો પ્રસાદ ?

(૬)     ટેકાના ભાવે ખરીદેલી મગફળીના નાણાં ચૂકવવામાં ગુનાહિત વિલંબથી ૩૧મી માચૅના રોજ બેંકલોનની ચુકવણીમાં ખેડૂતોને વ્યાજ ખાધની નુકસાની માટે જવાબદાર કોણ ?

(૭)     રાજયમાં અંદાજીત ૩૩ લાખ ટનના ઉત્પાદન સામે માત્ર ૭.૩૧લાખ ટન મગફળી ખરીદીને સામાન્ય ખેડુતોને શું કામે કર્યો અન્યાય ?

(૮)     ખરીદી કરનારી સંસ્થાઓ સાથે ભેદભાવ કરીને ઓછા કમૅચારી તથા ગોદામ વિહોણી “ગુજકોટ” ને શું કામે આપીયુ ૫.૩૦ લાખ ટનની જંગી મગફળી ખરીદીનું કામ ?

(૯)     અનુભવી સ્ટાફ અને પુરતાં પ્રમાણમાં ગોદામ છતાંયે “ગુજકોમાસોલ” ને ૧.૧૪ લાખ ટનની મગફળી ખરીદી ઉપર શું કામે લગાવી લગામ ?

(૧૦)  પુર અસરગ્રસ્ત વિસ્તારો માંથી બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્થા દ્વારા કંઈ રીતે થયું ૮૭ હજાર ટન મગફળીની ખરીદીનું કામ ?

(૧૧)  મગફળીના સંગ્રહ માટે મૂળ માલિકનાં બદલે વચેટિયાઓ પાસેથી શું કામે ઉંચા દરે ભાડે રખાયા ખાનગી ગોદામ ? 

(૧૨)  “ગુજકોટ”ને ખાનગી ગોદામો ભાડે આપનાર ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન ની કચેરીમાં કેમ લાગી ગઈ આગ ?

(૧૩)  “ગુજકોટ” દ્વારા જ ભાડે રખાયેલા ખાનગી ગોદામોમાં પહેલા ગાંઘીધામ, ગોંડલ, હાપા, અને રાજકોટ પછી સાપર માં ઈરાદાપૂર્વક શું કામે લગાડાઈ રહી છે આગ ?

(૧૪)  ભાજપ સમૅથિત કુલ કેટલી, કંઇ-કંઇ અને ક્યાંની સહકારી મંડળીઓ દ્વારા રૂ. ૩૫૦૦ કરોડની મગફળી ખરીદવામાં થયું રાજ્ય વ્યાપી કૌભાંડ ?

(૧૫)  ટેકાના ભાવે ખરીદેલી મગફળીને બારોબાર કંઇ-કંઇ ખાનગી મિલોમાં પિલી અને સરકારી મળતિયાઓ તેલ વેચીનેં થયાં માલામાલ ?

(૧૬)  નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાંથી કંઇ-કંઇ સંસ્થાઓ દ્વારા ભરાયાં હતાં સળગાવેલા સરકારી ગોદામ ?

(૧૭)  મગફળીકાંડની સરકારને જાણ છતાંયે શું કામે નથી રાખ્યા સીસીટીવી કે પછી ઈરાદાપૂર્વક રહ્યો સુરક્ષાનો અભાવ ?

(૧૮)  સળગેલા ખાનગી ગોદામોમાં નથી વિજળીના કનેક્શન છતાંયે શું કામે છે સળગાવવાની રીત સમાન ?

(૧૯)  સરકારની મીઠી નજર તળેજ સરકારી ગોદામોમાં રૂ.૧૦૦ કરોડની મગફળીનો મુદ્દામાલ સળગીને કેમ થઈ ગયો ખાખ ?

(૨૦)  સરકારી તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત પછીયે શું કામે તપાસણીના ખાલી થઈ રહ્યા છે નાટક ?

(૨૧)  મગફળીકાંડના કૌભાંડમાં માલ ખાઘો મદારીઓએ અને માર ખાશે વાંદરા પણ ક્યારે ખુલશે મોટા માથાઓના નામ ?

(૨૨)  મગફળી કાંડના સત્યને છુપાવવા બદલ શું કામે મળી રહ્યા છે મલાઈદાર પદોનાં ખિતાબ ?

(૨૩)  સરકારી ગોદામોમાં ખડકાયેલા ખાલી કોથળાને ઊંધા ઠાલવીને શુંકામે નથી થતો મગફળીની ગુણવત્તાનો અભ્યાસ ?

(૨૪)  નામદાર સુપ્રીમના સિટીગ જજ મારફતે મગફળી કાંડની તટસ્થ તપાસથી શું કામે ડરે છે દુધે ધોયેલી ભાજપની સરકાર ?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]