કોંગ્રેસ-પાસની અધરાતમધરાતની ‘અનામત’ ચર્ચા નિષ્ફળ, બે દિ’માં ફરી મળશે

અમદાવાદ- આઠમી નવેમ્બર સુધીમાં કોંગ્રેસ પાટીદારોને અનામત કઇ રીતે આપશે તે મુદ્દે વલણ સ્પષ્ટ કરવા પાસ નેતા હાર્દિક પટેલે આપેલાં અલ્ટીમેટમે કોંગ્રેસને રાતના ઉજાગરા કરતી કરી દીધી છે. આઠમીની રાતે 11 કલાક પછી શરુ થયેલી બેઠક રાતે બે કલાકની આસપાસ પૂરી થઇ હતી અને તે પણ કોઇ નક્કર નિર્ણય વિના.

પાટીદાર અનામતને કોંગ્રેસે ટેકનિકલ મુદ્દો જણાવી ચતુરાઇથી પાટીદારોને ભોળવવાની કોશિશ કરી હોવાનું લાગતાં ચેતી ગયેલાં પાટીદારોએ સખત વલણ અખત્યાર કરી સાફ સાફ જાહેરાત કરવાનું દબાણ સર્જ્યું છે.

પાટીદારોને બંધારણની મર્યાદામાં રહી કેવી રીતે અનામત આપી શકાય તે માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વકીલ અને કાયદા નિષ્ણાત કપિલ સિબ્બલને મામલો સાચવવા મોકલ્યાં છે. જેમની સાથે આઠમીની અધરાત મધરાતની બેઠક ચાલી હતી. પણ કોઇ નિર્ણય લઇ શકાયો નથી અને હજુ વધુ બે દિવસની મહેતલ કોંગ્રેસને આપવામાં આવી છે કે તેઓ સ્પષ્ટ કરે કે કોંગ્રેસ પાટીદારોને અનામત કઇ રીતે આપશે.

ઉલ્લેખનીય છે કે ઇબીસીની જાહેરાત અને અમલ દ્વારા ભાજપ સરકાર પહેલેથી જ સવર્ણને અનામતની આડકતરી સહાય કરી દીધી છે ત્યારે ઇબીસીની જાહેરાત અને વધુ ફંડિંગની વાત પાટીદારોને મનાવી શકે તેમ નથી. પાટીદાર સમાજની માગણી ઓબીસી અનામતની છે.

બંધારણીય પદ્ધતિએ અનામત આપવાને મુદ્દે બેઠકમાં પાટીદાર નેતાઓએ સવાલ ઉઠાવતાં કોંગ્રેસના કપિલ સિબ્બલ સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અલગથી બેઠક કરવી પડી હતી. પાટીદારોનો કોંગ્રેસને સમર્થન જાહેર કરવાનું આ રીતે વધુ એકવાર મુલતવી રહ્યું છે.

પાટીદારોના રોષનો ભરપુર ફાયદો મેળવવા કોંગ્રેસ પાટીદારોને ભરોસો અપાવ્યો છે કે તે અનામત આપશે જેને લઇને અલગથી ખાનગીમાં કોંગ્રેસના નેતાઓને મળનાર હાર્દિક પોતે હાજર ન રહી કોંગ્રેસ સાથે મંત્રણા કરવા પાસ કન્વીનરોને મોકલી રહ્યો છે.

કોંગ્રેસે બેઠકમાં પાટીદારોને અમાનત આપવા મુદ્દે ત્રણ ફોર્મયૂલા રજૂ કરી હતી. જે પાટીદાર અગ્રણીઓને સ્વીકાર્ય ન હોવાથી ફરી એકવાર કોંગ્રેસ તેની રીતે અલગથી અને પાસ તેની રીતે અલગથી બેઠક કરશે તેમ નક્કી કરી ફરીથી સાથે બેસી મંત્રણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]