લ્હોર ગામમાં ડે.સીએમ નીતિન પટેલે સમજાવ્યા બાદ થયું સમાધાન

અમદાવાદઃ કડી તાલુકાના લ્હોર ગામે કડી તાલુકાનાં દલિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા મામલે ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ બેઠક કરી હતી અને દલિત સમાજનો બહિષ્કાર કરી દલિત પરિવારોને અનાજ, કરીયાણુ, દૂધ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જે અંગે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. આ મામલે અત્યાચારના ભોગ બનેલા પરિવારે અંતે પોલીસ મદદ માગી બાવલુ પોલીસ મથકે સરપંચ સહિત પાંચ શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સમાધાન કરાવવા માટે લ્હોર ગામ પહોંચ્યા હતા. નીતિન પટેલની સમજાવટ બાદ આખરે દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે સમાધાન થયું હતું.

આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે, આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાતરી પણ આપી હતી. દલિત સમાજના યુવકે કાઢેલા વરઘોડાના પ્રશ્ન ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર સ્પષ્ટ છે કોઇપણ દલિત હોય કે અન્ય કોઇપણ સમાજના હોય. એ પોતાના પ્રસંગો એ આનંદથી ઉજવે, ઘોડા ઉપર બેસીને જાય, વરઘોડો પણ કાઢે કોઇપણ પ્રકારની સામાજિક વિસંવાદીતતા સરકાર ચલાવવા માંગતી નથી. કડી પાસેના ગામમાં જે ઘટના બની છે એ અંગે સરકાર ગઇકાલથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ધરપકડો પણ કરી છે.અને કોઇ સામાજિક બિષ્કાર સરકાર ચલાવવા દેશે નહીં. દલિતો માટે સરકારની પૂર્ણરૂપે સહાનુભૂતિ છે. એ અંગે સરકાર કડકમાં કડક પગલાં લેશે અને લઇ રહી છે.”

તો ગુજરાતના ડે.સીએમ નીતિન પટેલ પણ લ્હોર ગામે સમાધાન કરવા પહોંચ્યા હતાં. તેમની કલાકોની સમજાવાટ બાદ પણ સમાધાન થયું નથી. નીતિન પટેલે જણાવ્યું કે, “ગુરુવારે આ બનાવ સરકારના ધ્યાને આવ્યો હતો. તાત્કાલિક અસરથી કલેક્ટર સહિત મામ લોકોને જાણ કરવામાં આવી હતી. દલિતોએ જેમની સામે ફરિયાદ દાખલ કરી છે તે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પાંચેય લોકો જેલ હવાલે છે. ગુરુવારે રાત્રે મારા ધ્યાનમાં આ બનાવ આવતા હું બપોરથી અહીં આવ્યો છું. મેં દોઢ કલાક સુધી ગામના તમામ વર્ગો સાથે ચર્ચા કરી છે.”

નીતિન પટેલે જણાવ્યું કે કેટલાક લોકો સમાધાન ન થાય તે માટે તેમજ તેમના રાજકીય હિતો પાર પાડવા માટે કામ લાગ્યા છે. એનજીઓ ચલાવતા લોકો પણ અહીં હાજર છે. તેમની પણ ફરજ છે કે આ મામલે સમાધાન કરાવે. આ મામલે રાજકારણ લાવ્યા વગર સમાધાન થાય તે જરૂરી છે. કોઈ પોતાની સંસ્થા માટે આ બનાવનો દુરુપયોગ ન કરે તેની સમજ મેં ગામના લોકોને આપી છે. ગામના લોકોએ સમાધાન માટેની તૈયારી બતાવી હતી અને બાદમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સમજાવટ બાદ સમાધાન થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]