ગુજરાતના પ્રવાસસ્થળોમાં ધસારા સામે તંત્ર તૈયાર

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દીવાળી પર્વને ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને ફરવાલાયક સ્થળો લોકોનો ધસારો વધ્યો છે. દીવાળીના પર્વમાં લોકો સોમનાથ મહાદેવ, ગીરનું જંગલ, દીવ, કનકાઈ માતાનું મંદિર, દ્વારકા, જૂનાગઢ ગિરનાર પર્વત, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા સહિત અનેક જગ્યાએ લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે આવશે. ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તહેવારોમાં ફરવા માટે લોકો સામાન્ય રિતે સૌરાષ્ટ્રને વધારે પસંદ કરે છે. દીવાળીની લાંબી રજાઓમાં તો આસપાસના ફરવા જવાના સ્થળોના બુકીંગ તો અગાઉથી જ કરી લેવામાં આવ્યુ છે. હાલ વનરાજોનું વેકેશન પૂર્ણ થયુ છે એટલે ગીર તરફ પ્રવાહ વધારે છે. ચાર માસના વેકેશન બાદ પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સિંહ દર્શન માટે પણ બે મહિનાનું ઓનલાઈન બુકીંગ લોકોએ કરી લીધુ છે.

વન વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોને સિંહ દર્શનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સવારે ૬ થી ૯, ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ત્રણ ટ્રીપમાં સિંહ દર્શનની વ્યવસ્થા છે. આ મુજબ તહેવારોમાં દરરોજ ૧૫૦ પરમિટ પ્રવાસીઓને આપવામાં આવી છે.

સારા ચોમાસાને કારણે ગીરનું જંગલમાં હરીયાળી છવાઈ ગઈ છે અને પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે લોકોને સિંહ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓના દર્શનનો લાભ મળવાની શકયતા હોવાથી વધુ પ્રવાસીઓએ ગીરની પસંદગી કરી છે.

ગીર બાદ પ્રવાસીઓનું પ્રિય સ્થળ દિવ છે. જેમાં પણ દિવાળીની રજાઓને કારણે તમામ હોટલો બુક કરી લેવામાં આવી છે. પ્રવાસીઓએ રૂ. ૧૫૦૦ થી ૬૦૦૦ સુધીના ભાડા ચૂકવીને દિવ, સોમનાથ સહિતની હોટલો હાઈસ્કૂલ કરી દીધી છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર દ્વારકામાં પણ તમામ હોટલો અને ગેસ્ટ હાઉસો ફુલ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રવાસીઓએ દિવાળીની રજાઓમાં ફરવા માટેના બુકીંગ અત્યારથી કરી લીધા છે, એ કારણે નજીકના તમામ પર્યટન સ્થળો પણ હાઉસફુલ બની ગયા છે.