રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 7 ડિગ્રી તાપમાન

અમદાવાદઃ રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અત્યારે દિવસભર રાજ્યના અનેક વિસ્તારોમાં રીતસરની બર્ફીલા પવનોની અનૂભુતી થઈ રહી છે. મહત્વનું છે કે ઉત્તર ભારત અને કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે તેને લઈને અનેક જગ્યાએ ઠંડીમાં વધારો થયો છે. આ સીવાય આબુમાં પણ ઠંડીનો પારો શુન્ય ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

ગુજરાત રાજ્ય અત્યારે ઠંડુગાર બન્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો તો ગગડયો હતો પરંતુ મહત્તમ તાપમાન પણ નીચું ઉતરી જતાં ઠંડી વધુ અનુભવાઈ રહી છે. તો હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હજી રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે. દિવસ દરમિયાન ફૂંકાતા કાતિલ પવનના લીધે શહેરીજનો ઠુંઠવાયાં છે. તો અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન પણ 23.5 ડિગ્રી નોંધાતા હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. કાતિલ પવન ફૂંકાતા આજે રજાના દિવસે પણ લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું.

નલિયામાં 7 ડિગ્રી, ડીસાનું 7.0 ડિગ્રી, અમદાવાદમાં 9.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તેમજ મહત્તમ તાપમાન સરેરાશ 28થી 30 ડિગ્રી રહેતુ હોય છે જેની સામે આજે પારો ગગડતાં 23.5 ડિગ્રી નોધાયુ હતુ.

રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ 9.1 ડિગ્રી, ડીસા 7.0 ડિગ્રી, ગાંધીનગર 9.5 ડિગ્રી, સુરત 13.6 ડિગ્રી, વડોદરા 10.8 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 10.2 ડિગ્રી , ભુજ 12.6 ડિગ્રી, કંડલા 9.2 ડિગ્રી, નલિયા 7.0 ડિગ્રી, ભાવનગર 14 ડિગ્રી, પોરબંદર 14.7 ડિગ્રી, અમરેલી 10.7 ડિગ્રી, વલસાડ 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]