હજી 48 કલાક સુધી કાતીલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં પણ શીતલહેર ફરી વળી છે. સૂકા અને બર્ફિલા પવનોના કારણે ગુજરાત ઠૂંઠવાયું છે. રવિવારે રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી આસપાસ નોંધાયા હતા. રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદમાં પારો 8.6 અને ગાંધીનગરમાં 8.4 નોંધાતા પરોઢે ગાત્રો થીજવી દેતી ઠંડીનો અહેસાસ થયો હતો.

થોડા દિવસ પહેલા ગરમીની શરુઆત જેવો માહોલ હતો. દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે પંખાની જરુર પડી હતી. પરંતુ છેલ્લા ચાર દિવસથી ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં જોરદાર ઠંડી પડી રહી છે. બે દિવસથી પારો 10 ડીગ્રીની નીચે પહોંચી જવાના કારણે રાત્રે લોકોએ તાપણા શરુ કરી દીધા છે. દિવસનું તાપમાન પણ સામાન્યથી ચાર ડિગ્રી જેટલું ઓછું રહેવાની સાથે મંદ મંદ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર ઠંડી તેના અંતિમ તબક્કામાં છે ત્યારે આ તબક્કામાં હજી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. હજી પણ 48 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. કોલ્ડવેવની અસરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં પારો 5 ડિગ્રીની આસપાસ પહોંચી જવાની શક્યતા છે.