ગુજરાતમાં ઠંડીથી બે વ્યક્તિના મોત, ઠંડા પવનનું જોર વધ્યું

અમદાવાદઃ  છેલ્લાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે નીચું ગયું છે. પવનો અને નીચા તાપમાનના કારણે માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે.

માર્ગો અને મકાનોના બાંધકામ સાથે સંકળાયેલા લોકો,  નાના-મોટા શહેરોમાં શાકભાજી-ફળફળાદી કે અન્ય ચીજ-વસ્તુઓ વેચી પેટિયું રળી માર્ગો પર કે ખુલ્લી જગ્યામાં રહેતા લોકો માટે આ ઠંડા પવનોનો સામનો કરવો દુષ્કર થઇ રહ્યું છે.

જેના પાક્કા મકાનો-ફલેટ-બંગલોઝ છે એ મોટાભાગના લોકો પોતાના બારી બારણાં ખોલવાની હિંમત પણ કરતાં નથી. જ્યારે દિવસ-રાત જેને માર્ગ પર જ વિતાવવાનો છે એ લોકો તાપણાંનો સહારો લે છે. આસપાસના વૃક્ષોના સુકા લાકડાં એકઠાં કરી લોકો તાપણાં કરી ઠંડીને દુર કરી ગરમાવો લેવા પ્રયત્ન કરે છે. જ્યારે કેટલાક  લોકો ઠંડીની મોજ માણે છે.  ગામના પાદરે-મહોલ્લા કે સોસયટીના ખુલ્લા ચોગાનમાં ભેગા મળી તાપણાં દ્વારા ઠંડી સાથે ગરમાવો મેળવી લે છે.

ઉત્તર ગુજરાતમાં થઈ રહેલી ભારે હિમ વર્ષેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતીલ ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ, વડોદરા, નવસારી, વલસાડ, સુરત, ડીસા અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીએ જોર પકડ્યું છે. અત્યારે ઠંડા પવનોના કારણે દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થાય છે.

ગુજરાતમાં અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. બર્ફીલા પવનો ફૂંકાતા નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક અને શનિવારે રાજકોટમાં એક એમ બે દિવસમાં રાજ્યમાં બે વ્યક્તિઓનું મોત નિપજ્યુ હતુ.

તો આ સિવાય મધ્ય ગુજરાતમાં ફરી વળેલા ઠંડીના મોજાના લીધે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી પર માંડવીના 35 વર્ષના ઇમરાનખાન દિદારખાન પઠાણ નામના યુવાનનું મોત નિપજ્યું હતું. ઇમરાનખાન દિદારખાન પઠાણ ગઇ કાલે રાત્રે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી પાસેની ફૂલ-હારની લારીની બાજુમાં સૂઇ ગયો હતો. જોકે અતિશય ઠંડીના લીધે તેનું મોત નિપજ્યું હતું. તો આ પહેલા શનિવારે ગોંડલ રોડ ચોકડીથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રીજ નીચે અંદાજે 50 વર્ષના પુરુષની લાશ મળી આવી હતી. આ શખ્સ પણ શારીરિક અશક્ત હોઈ ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાન અંગે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર – 14.9 ડિગ્રી, ડીસા – 11.9 ડિગ્રી, ઓખા – 20.7 ડિગ્રી, પોરબંદર – 17.7 ડિગ્રી, વેરાવળ – 17.3 ડિગ્રી, દીવ – 15.5 ડિગ્રી, ભૂજ –14.3  ડિગ્રી, અને નલિયામાં 11.2 ડિગ્રી, રાજકોટ 14.0 ડિગ્રી, ભાવનગર 16.0 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.5, અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]