સીએમ રુપાણી બારડોલીમાં કરશે આ યોજનાનું ખાતમુહૂર્ત, 130 ખેડૂત જોડાયાં

ગાંધીનગર- ગુજરાત સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી પગલાં લીધાં છે જેમાં અત્યંત મહત્વાકાંક્ષી સ્કાય યોજના એટલે કે, સૂર્ય શક્તિ કિસાન યોજના સ્વરૂપે ખેડૂતોને હવે નવતર લાભ મળશે જેના દ્વારા ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ વીજળી વાપરી વધારાની વીજળી વીજ કંપનીને વેચી પણ શકશે. આ યોજનાથી રાજ્યના ખેડૂતો વધુ સમૃદ્ધ બનાવવાના ધ્યેય સાથે આજે સ્કાય સૂર્ય શકિત કિસાન યોજનાનું ખાતમુહૂર્ત બારડોલી ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે.

આ અંગેની વધુ વિગતો આપતા ઊર્જાપ્રધાને જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે ૧૧ કે.વી. ખાનપુર,  ખલી,  નાનીફલી ખેતીવાડી ફીડરના કુલ ૧૨૦ ખેડૂતોએ આ યોજનામાં જોડાઈને તેમના ફાળાની ૫% રકમ ભરપાઈ કરી દીધી છે અને તેવા ખેડૂતોના ત્યાં સોલાર પેનલ બેસાડવાના કાર્યનો પ્રારંભ થશે. આ ખેડૂતો પોતાના ખેતરમાં જ વીજળીનું ઉત્પાદન કરી જરૂરીયાત મુજબની વીજળી વાપરી વધારાની વીજળી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વેચી વધારાની આવક મેળવશે.

આ સંદર્ભે ઊર્જા રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજનાની જેમ જ આ સ્કાય યોજના પણ સમગ્ર દેશ માટેની પથદર્શક યોજના બની રહેશે અને ગુજરાતના જ નહીં પણ દેશના ખેડૂતો માટે પણ આવકનો એક નવો સ્ત્રોત બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]