ગણતંત્ર દિવસની ઉજવણી માટે સીએમ બે દિવસ મહેસાણામાં રહેશે

મહેસાણા-મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૬૯માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન મહેસાણામાં પહોંચ્યાં છે. જ્યાં તેઓ આવતીકાલથી બે દિવસ વિવિધ ઉમંગ ઉત્સવોમાં સહભાગી થશે.સીએમ રૂપાણી ગુરુવારે, રપ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે વિસનગર જશે જ્યાં તેઓ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાનારા સાયન્સ કાર્નિવેલ-ર૦૧૮ને ખુલ્લો મૂકવાના છે.પ્રજાસત્તાક પર્વની મહેસાણા જિલ્લામાં થઇ રહેલી જનભાગીદારી પૂર્ણ ઉજવણીના ભાગરૂપે આ સાયન્સ કાર્નિવેલ-ર૦૧૮ રાજ્ય સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી અને ગુજકોસ્ટના સહયોગથી યોજાયો છે.

આ કાર્નિવલમાં ૧૦૦થી વધુ શાળાઓ તેમ જ ઇજનેરી-વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ મળી સાત હજાર જેટલાં  કૌશલ્યપૂર્ણ પ્રોજેકટસ, ઇનોવેટીવ આઇડીયાઝ મોડેલ પ્રસ્તુત કરશે. સાથે જ રાષ્ટ્રીય એકતા વિષયો પર લાઇવ વોલ પેઇન્ટિંગ, મેડિકલ ચેક અપ કેમ્પ અને રકતદાન શિબિર જેવા સમાજસેવા કાર્યો પણ થશે.

બપોર બાદ સીએમ મહેસાણામાં રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં યોજાનારા એટ-હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિક અગ્રણીઓ સાથે પ્રજાસત્તાક પર્વ શુભેચ્છા આદાનપ્રદાન કરશે. જ્યારે સાંજે ૭ કલાકે મહેસાણાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં યોજાનારા મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મનમોહક મહેસાણા’માં પણ રાજ્યપાલ સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે આ અવસરે મહેસાણા જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવશે.

મહેસાણામાં ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણી અન્વયે મશાલપીટી, જાહેર ઇમારતો પર રોશની-બાગ બગીચા-ફૂવારા સુશોભન વગેરે નયનરમ્ય સાજ શણગાર જનભાગીદારીથી સજાવવામાં આવ્યાં છે.

શુક્રવારે ર૬ જાન્યુઆરીએ સવારે ૮.પ૦ કલાકે સીએમ રુપાણી મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજ્યપાલ દ્વારા થનારા ધ્વજવંદન અને પરેડ માર્ચપાસ્ટ કાર્યક્રમોમાં જોડાશે.

રાજ્યકક્ષાના આ ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ દળના જવાનોની પરેડ માર્ચ પાસ્ટ, હેરતઅંગેજ વિવિધ નિદર્શનો, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ-શૉ અને અશ્વ-શૉ પણ યોજાવાના છે. મુખ્યપ્રધાન ર૬ જાન્યુઆરીએ શુક્રવારે બપોર બાદ ગાંધીનગર પરત આવશે.